Syllabus-Highersecondary

ઉચ્ચતર માધ્યમિક વિભાગ
વર્તમાન સમયમાં વિષય માળખું મુજબ કુલ સાત વિષય પસંદ કરવાના હોય છે.
જૂથ : 1 ગુજરાતી-ફરજિયાત
જૂથ : 2 અંગ્રેજી – ફરજિયાત
જૂથ – ૩ નીચેનામાંથી કોઈપણ બે –
1 હિન્દી,
2 મનોવિજ્ઞાન,
3 સંસ્કૃત,
4 વાણીજ્ય વ્યવસ્થા
5 નામાના મૂળતત્વો
જૂથ – 4 નીચેનામાંથી કોઈપણ ત્રણ-
1 સમાજશાસ્ત્ર
2 તત્વજ્ઞાન
3 ઈતિહાસ/ભૂગોળ
4 અર્થશાસ્ત્ર
5 આંકડાશાસ્ત્ર
6 કોમ્પ્યુટર /ચિત્ર /સંગીત
7 રાજ્યશાસ્ત્ર
ઉપરોક્ત સાત વિષય ઉપરાંત શાળાકિય કક્ષાએ બે અન્ય વિષય પણ ભણવાના હોય છે.આ બે વિષયની
પરીક્ષા સ્થાનિક કક્ષાએ લઈને પ્રમાણપત્ર આપવાનું હોય છે.
1 ઉદ્યોગ -લઘુલિપિ,કેમિકલ સાબુ બનાવવા,સીવણ-ભરતગૂંથણ સ્થાનિકકક્ષા અનુસાર
2 શારીરિક શિક્ષણ
આમ કુલ નવ વિષય વિદ્યાર્થીઓએ ભણવાના હોય છે
અભ્યાસક્રમ
હાલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બે પ્રવાહ અસ્તિત્વ ધરાવે છે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ.
વિજ્ઞાન પ્રવાહ બાબતે વિષયોની પસંદગી અને ભારણ પરત્વે ખૂબ ચિંતન થયું છે પરંતુ સામાન્ય પ્રવાહ પસંદ કરનાર એવા 70 ટકા વિદ્યાર્થીઓ વિષે જોઈએ તેવી ગંભીરતાથી ચિંતન થયું નથી.એમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓનું વિષય પસંદગી અને તેના ભારણ અંગે.
વિજ્ઞાન પ્રવાહમાં પાંચ વિષયો જ ભણવાના હોય છે જયારે સામાન્ય પ્રવાહમાં સાત વિષયો ભણવાના હોય છે આમ બે વિષયો વિદ્યાર્થીઓને વધારે ભણવા પડે છે.
બીજી બાબત એ છે કે તેમને રસ રુચિ પ્રમાણે ભણવાના વિષય મળતા નથી.આનું કારણ એ છે કે તે વિષયના શિક્ષકો શાળામાં ના હોય.એ તો સમજ્યા પણ 2005 થી એવી પરિસ્થિતિ થઈ છે કે સંસ્કૃત, મનોવિજ્ઞાન અને હિન્દી.આ ત્રણ વિષયમાંથી કોઈ બે વિષય જ ભણવાના.
હવે આ ત્રણે વિષયોમાં વિદ્યાર્થીઓને રસ હોય શકે અને શાળામાં આ ત્રણે વિષયના શિક્ષકો પણ ઉપલબ્ધ હોય ત્યારે સમસ્યા થી શકે છે.અથવા આમાંથી કોઈ શિક્ષક ઉપલબ્ધ ના હોય તો પણ સમસ્યા થાય.
ખરેખર તો વિષય માળખું સરળ અને રસરુચિ પ્રમાણે વિદ્યાથીઓ ભણી શકે અને ભારણ વિના ભણી શકે તેવું હોવું જોઈએ.
આવું સંભવિત માળખું વિદ્યાર્થીઓના વિકાસમાં મદદરૂપ થઈ શકે.
ફરજિયાત વિષયો
1 ગુજરાતી
2 અંગ્રેજી
અન્ય કોઈપણ ચાર મરજિયાત વિષયો
1 સંસ્કૃત
2 હિન્દી
3 મનોવિજ્ઞાન
4 તત્વજ્ઞાન
5 સમાજશાસ્ત્ર
6 ભૂગોળ
7શારીરિક શિક્ષણ અને યોગ
8 ઈતિહાસ
9 ભારતીય સંસ્કૃતિ
10અર્થશાસ્ત્ર
11વાણિજ્ય સંચાલન
12વાણિજ્ય પત્રવ્યવહાર
13વાણિજ્ય ગણિત
14 આંકડાશાત્ર
15ચિત્ર
16 સંગીત
17 કોમ્પ્યુટર
18 નૃત્ય
19 ઉદ્યોગ જેવાકે લઘુલિપિ,સાબુ બનાવવો, સીવણ-ભરત,મોબાઈલ,રીપેરીંગ, હીરા પરખ અને પહેલ પાડવા,ખેતી અને પશુપાલન આમાં સ્થાનિક સંદર્ભે વિવિધતા હોય શકે.
શાળામાં ઉપલબ્ધ વિષય શિક્ષકોના સંદર્ભે વિષય પસંદગી આપી શકાય.
કયા વિષયમાં કેટલી સંખ્યા તેને મહત્વ ના આપવું જોઈએ કેટલીકવાર ગૂઢ વિષયોમાં સંખ્યા મર્યાદિત -ઓછી પણ હોય અને રસપ્રદ સરળ વિષયોમાં સંખ્યા વધારે પણ હોય -આમાં સંખ્યા નહિ પણ વિદ્યાર્થીના રસરુચિને પ્રાધાન્ય આપવું જોઈએ.
મને લાગે છે કે આવું માળખું વિદ્યાર્થીના વિકાસમાં ઉપયુક્ત રહેશે.આમ છતાં આ બાબતે શૈક્ષણિક અધિવેશન રાગ -દ્વેષ  વગરની મુક્ત ચર્ચા અને પરિસંવાદ યોજાવા જરૂરી છે.કોઈ એક વ્યક્તિ કરતા બધાએ સંવાદ સાધીને શિક્ષણ અને વિદ્યાર્થીના હિતમાં વિચારવાની આવશ્યકતા ઉભી થઈ છે તેમ નથી લાગતું???

Purush-Sankhydarshan

આજકાલ મનોરોગ અને હ્રદયરોગનું પ્રમાણ વધતું જોવા મળે છે.
આ રોગોનો ઉત્તમ ઉપાય ભગવતગીતામાં જોવા મળે છે.આ ગ્રંથમાં સાંખ્યશાસ્ત્રની અસર જોવા મળે છે.સાંખ્યદર્શનમાં જગતની ઉત્પત્તિ પુરુષ અને પ્રકૃતિ દ્વારા થઈ છે તેવું કહ્યું છે.સાંખ્યનો “પુરુષ” એટલે આત્મા.જેને કોઈ જાતિ નથી “પુરુષ”નો અર્થ વ્યવહારમાં “નર”એવો થાય પણ સાંખ્ય દર્શન અનુસાર આનો અર્થ “આત્મા”થાય.
આ નવ છિદ્ર કે નવ દ્વાર વાળા “પુર”નગરમાં રહેનાર કે વસનાર એટલે પુરુષ.
पुरी शयते असौ पुरुष !
તનાવ કે રોગથી દૂર કરવા માટે કોઈપણ વ્યક્તિએ સાંખ્યનો પુરુષ એટલેકે આત્મભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો પડે.આત્મા આ દેહથી ભિન્ન છે તેવો ભાવ એટલે ભેદ સ્વરૂપનું જ્ઞાન.આને માટે અભ્યાસ કરવો જરૂરી વારે વારે મનને કહેવું પડે “તું કોઈ વ્યક્તિ નથી પણ એક અનામી આત્મ સ્વરૂપ છો ઘર,નોકરીનું સ્થળ,સગાવહાલા,મિત્રો વગેરે સાથેના સંબંધો નાશવંત છે.એમ સમજાવવું રહ્યું.”
ભગવતગીતાના દસમા અધ્યાયમાં બધા શ્રેષ્ઠ તત્વ “હું છું” તેવું કહ્યું છે.શું કૃષ્ણ આવા અભિમાની હોય શકે ??નહિ તે શરીરમાં રહેલ આત્મ તત્વનો નિર્દેશ કરે છે અને સર્વ શક્તિશાળી કોઈ હોય તો આત્મતત્વ છે.
આત્મા હંમેશા તુષ્ટ અને આનંદમાં રહેવો જોઈએ.ત્યારે જ આવું બની શકે કે જયારે આત્મભાવ અને દૃષ્ટાભાવ આવે.”આ જગત એના ચોક્કસ સમય અને ક્રમમાં ચાલી રહ્યું છે અને ચાલ્યા કરવાનું છે કાળના આ ચક્રમાં વ્યક્તિ કોઈ પરિવર્તન કરી શકે નહિ જે પરિવર્તન થવાનું છે તે સમયને અનુસરીને થાય છે કોઈ માણસ આ કરી શકે નહિ.હા,નિમિત જરૂર બની શકે.
અગિયારમાં અધ્યાયમાં કુષ્ણ-આત્મા કહે છે કે “આ બધા મૃત્યુ પામેલા જ છે તું ફક્ત નિમિત બન”વિશ્વરૂપદર્શન દ્વારા પોતે કાળ સ્વરૂપ છે અને પોતાના મુખમાં બધા પ્રવેશતા અર્જુનને જોવા મળે છે.
સમગ્ર ગીતા પ્રતીકાત્મક છે…તેમ લાગે કૃષ્ણ -આત્મા અને અર્જુન -મન છે.દ્રોપદી એ બુદ્ધિ છે-મતિ છે.તે પાંચ પાંડવને વરી છે બુદ્ધિ એ
સત્ય-યુધિષ્ઠિર
અર્જુન -મન
ભીમ-શરીર કે દેહ
સહદેવ-જ્ઞાન
નકુલ-બાહ્ય રૂપ કે આકાર
બુદ્ધિ આ પાંચ બાબતોને વરી હોવા છતાં તેણે કૃષ્ણ-આત્મામાં મન સ્થિર હોય તો આ કુરુક્ષેત્ર -શરીરમાં રોગો રૂપી 11 અક્ષોહિણી સેનાને જીતી શકાય છે.દ્રોપદી અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી છે શુદ્ધ બુદ્ધિ આકરી કડવી લાગે છે.
દુર્યોધન-કામ
દુ:શાસન-ક્રોધ
ગાંધારી -અંધ અનુકરણવૃત્તિ
ધૃતરાષ્ટ્ર -કોઈનું લઇ લેવાની વૃત્તિ
દ્રોણ -બદલો લેવાની વૃત્તિ
ભીષ્મ-સરળતા અને ત્યાગવૃત્તિ
આ બધા પાત્રો વ્યાસમુનિના માનસસંતાનો છે.પરંતુ કૃષ્ણ એ આત્મતત્વ છે આપણું અર્જુન રૂપી મન અને દ્રોપદી રૂપી બુદ્ધિ તેમાં સ્થિર થાઓ એ જ ઈશ્વરને પ્રાર્થના.આવો આત્મભાવ પ્રાપ્ત થાય એટલે આપણે સાંખ્યના પુરુષ કહેવાઈએ.ભલે દેહ સ્ત્રીનો હોય પણ આત્મભાવ હોય તો તેવી સ્ત્રી પણ સાંખ્યનો પુરુષ કહેવાય.

Vacation

શિક્ષક મિત્રો
એક વાત કહું સામાન્ય જન સમાજ આપણી વિષે માને છે કે આપણને બહુ રજા મળે છે બધા કહે કે,
“માસ્ટરી મેં મજા છે માહ કી નોકરી છે માહ કી રજા ”
શું ખરેખર આવું છે ? શાંતિથી વિચારો કે આપણને બીજા કર્મચારી કરતા કોઈ વધારે રજાનો લાભ નથી મળતો.
ઉનાળુ વેકેશન ૩૫ દિવસ
શિયાળુ વેકેશન ૨૧ દિવસ
કુલ ૫૬ દિવસ
અન્ય કર્મચારીઓને આપણી કરતા ૨૪ શનિવાર -બીજો અને ચોથો મળે છે.ઉપરાંત વેકેશનના ૫૬ દિવસમાં આવતા ૮ રવિવાર પણ તેમને મળે છે.આમ કુલ ૩૨ દિવસ અને આપણા કરતા ૩૦ રજા EL “અર્નેડ લીવ “પણ તેમને મળે છે.આમ તેમને કુલ ૬૨ રજા મળે છે.જયારે આપણને ૫૬ જ.
વળી વેકેશન પછી બાળકોને પાછા ભણવા તૈયાર કરવા એ કસરત વધારાની.અન્ય કર્મચારીને જમા રજાનું રોકડ રૂપાંતર પણ થાય.જયારે આપણા માથે આક્ષેપ થાય કે શિક્ષકો તો આરામ કરે છે.આના પરથી કહેવત સમજાયને કે “છાસ માં માખણ જાયને વહુ ફૂવડ” કહેવાય.
દિલ્હી અને ઉત્તર પ્રદેશ સરકારે રજાઓ રદ કરી તેમ આપણે પણ વેકેશન પરત કરીને અન્ય કર્મચારીની જેમ ૩૦ E.L.માગી લેવી જોઈએ.
આના વિકલ્પે ઉનાળામાં સવારે સહ અભ્યાસક પ્રવૃત્તિ કરાવી શકાય.વિદ્યાર્થીઓ પણ અભ્યાસથી વિમુખ ના થાય.આપણે પણ અન્ય કર્મચારીથી જુદા ના પડીએ.જો કે આ વાત ઘણા શિક્ષક મિત્રોને ના પણ ગમે તેની સામે વેકેશનમાં પ્રવૃત્તિ કરાવતા વાલીને ગમે અને ફરવા જવાની ઈચ્છા ધરાવનાર વાલીને ના ગમે.
અલબત્ત શિક્ષકોને ફરવા જવું હોય તો પછી અન્ય કર્મચારીની જેમ પછી વેકેશન ના હોય તો L T C ની ૧૦ રજા મળશે.
ઘણા મિત્રો કહેશે “છાનામાના બેસો તડકામાં નિશાળે જઈને શું કરશો ?હાલી નીકળ્યા છો….”
oh sorry…આ તો just મજાક પણ ના થાય..?

Dilemma

ધર્મસંકટ
અમારા હાલના હેડક્લાર્ક રમેશભાઈ -અવ્વલ કારકૂન. નવરા જ ના પડે,શાળાના જૂના વિદ્યાર્થી.શાળામાં કામ એટલું રહે કે રજાઓ પણ તેમની જતી રહે.અરે કેટલીકવાર રવિવારે કે જાહેર રજાએ પણ શાળાની ઓફિસ ખોલીને બેસે.સરકારશ્રી દ્વારા ઓચિંતી માહિતી મગાઈ હોય તો રાત્રે પણ ઓફિસે બેસવું પડે.આ ક્લાર્ક બન્યા પહેલા ધોરણ 9 માં વિદ્યાર્થી તરીકે ભણે ત્યારથી અમે તેને ઓળખીએ.નિષ્ઠાપૂર્વક કામ કર્યા કરે.
અમારી શાળાના વરિષ્ઠ શિક્ષક બહેનને લાગ્યું કે તેમની રજા ગણતરીમાં કૈક ભૂલ છે.તેમણે કહ્યું કે આપણે દરેક વર્ષના “મસ્ટર”જોઈએ.મને પણ થયું કે વાંધો નહિ રમેશભાઈ પાસે માગી લઈશું એમાં શું?બીજી બાજુ એમ થાય કે રમેશભાઈની નિષ્ઠા સામે સવાલ કર્યો હોય તેવું લાગે.
આમછતાં બહેનની લાગણીને માન આપી “મસ્ટર”આપો તેમ કહી જ દીધું પણ રમેશભાઈએ કહ્યું કે રેકોર્ડ આપી ના શકાય.હું પણ નત મસ્તક ઓફિસમાંથી બહાર નીકળ્યો.મને પણ આ “મસ્ટર” માગ્યા નું દુઃખ થયું.
બહેનને થયું કે “ના કેમ આપે”તમે સાથ ના આપી ને ધરાહાર માંગણી ના કરી.
મને કવિ અખા પર તેની ધર્મની બહેને સોનામાં ભેગ નથી તેની શંકા કરી હતી તે ઘટના યાદ આવી તેમાંથી અખો કવિ બન્યો હતો અને છપ્પા લખવા માંડયો હતો અને કવિ બન્યો તે યાદ આવ્યું.
કેટલીક વાર આવી ઘટના આપણને સંવેદનશીલ બનાવે છે પ્રામાણિક માણસથી ભૂલ થાય પણ તેની પ્રત્યે શંકા કરવી એ મોટું પાપ છે તે અપ્રમાણિક ના બને તેનું ધ્યાન પણ આપણે જ રાખવું પડે ને ?આમ છતાં ધર્મસંકટ ટાળી શકાતા નથી.બધાને દુઃખ જ લાગે તેવું પણ બની શકે.આપણે નિરુપાય બની જઈએ.

બીજે દિવસે પેલા વરિષ્ઠ બહેન મસ્ટર લઈને રજાનું વેરીફીકેશન કરતા હતા…હું સ્પોર્ટ્સ ઓથોરિટીની મિટિંગમાં રવાના થયો.

Duty

કર્તવ્યપાલન
અમારી સોસાયટીમાં એક એક ગલુડિયું ઓચિંતું આવ્યું બધા એને રોટલી નાખ્યા કરે એ પણ લાડ કરે.સોસાયટીમાં કોઈ આવે એટલે તરત ભસે.અજાણ્યાને ભસે તો અમને ગમે પણ અમારા સગા-વહાલા સંબંધીને ભસે તો અમારે બહાર નીકળી આવવું અને મહેમાન જાય ત્યારે પણ ઉભા રહેવું પડે.ધીમે ધીમે તે સોસાયટી પ્રત્યે ખૂબ “પઝેસીવ”બની ગયું.તે લગભગ જાણીતાને ના ભસે પણ પોસ્ટમેનને ખૂબ ભસે.અમે ખૂબ દયાન રાખીએ કે તે બહુ કોઈને ના ભસે.
હવે એ ગલુડિયું મટીને કુતરી બની ગયું હતું.એણે બાજુની ગલીમાં પોતાના ગલુડિયા મૂક્યા હતા પણ એ ડ્યુટી અહી બજાવે અને તેને ખાવા પણ મળે.એક દિવસ એવું બન્યું કે તે પોસ્ટમેનને કરડ્યું.અમને બહુ ગુસ્સો ચડ્યો બધાએ તેને સોસાયટીમાં આવવા ના દેવું તેવું નક્કી કર્યું.થોડા દિવસ અમે તેને ખૂબ કાઢ્યું હવે તે ઓછું આવે છે પણ બહાર અમે નીકળીએ ત્યારે અમારી સામે જોઇને કહેતું હોય તેમ લાગે છે કે “મેં તો મારો ધર્મ-કર્તવ્યપાલન કર્યું એમાં મારો શો દોષ?કોઈવાર ગુસ્સામાં મારાથી આકરું પગલું લેવાઈ ગયું તો શું ?એ ક્ષમા માગતું હોય અને ભૂખ્યું થઇ પેટ દેખાડે છે જાણે કહેતું ના હોય “મેં તો મારો ધર્મ બજાવ્યો તમે તો તમારો ધર્મ બજાવો-માણસાઈ નો.”
હું લાચાર બની તેની બાબતમાં શું કરવું મૂંઝાઈ રહુ છું.
કાશ! પ્રાણીને ક્યારેય ધર્મ બજાવવાનું કહેવું પડતું નથી.

Summer Camp


ગ્રીષ્મ શિબિર
તારીખ 26 .4.2017
આજરોજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગર દ્વારા વિવિધ રમતો અંગેની ગ્રીષ્મ શિબિર અંગેની મિટિંગ રમતગમત અધિકારી શ્રી વિકાસકુમાર પાંડે સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ.વિવિધ દસ તાલુકાના કો ઓર્ડીનેટરશ્રીઓ આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા.”સમર કેમ્પ”માં રમતવીરોની પસંદગી તારીખ ૨૯.૪.૧૭ સુધીમાં વર્તમાન પત્રમાં જાહેરાત આપી પસંદગી યાદીનું એક રમત દીઠ 30 -30 રમતવીરોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા અંગે જણાવ્યું.
ત્રણ કલાક સવારના સમયમાં આ શિબિર યોજવી.ગરમીના સંદર્ભે નાસ્તા પાણી અને એનર્જી ડ્રીંક રમતવીરોને આપવું..આ અંગે માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી.
1 રમતવીરોની હાજરી દરરોજ પૂરવી તેઓ ટૂંકી સહી કરશે.
2 દરરોજ શિડ્યુલ મુજબ રમતનું આયોજન કરી વિવિધ પ્રવૃતિના ચારથી પાંચ ફોટોગ્રાફ મોકલવાના રહેશે.
3 રમતવીરોએ અહીંથી આપેલ ટીશર્ટ અને કેપ પહેરવાના રહેશે.
4 આ શિબિરમાં 17 કે તેથી ઓછી વયના રમતવીરો ભાગ લેશે.
5 ખેલ કુંભમાં પ્રથમ આવેલ અને પ્રતિભાશાળી રમતવીરોનું રજીસ્ટ્રેશન કરવું.
6 રમતવીરોને દૂધ, ફળ, કઠોળ,બિસ્કીટ, લસ્સી, જ્યુસ વગેરે સેશન પૂરું થયા બાદ આપી શકાશે -જરૂરિયાત મુજબનો સમય.
7 પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રી શકાય.
બે કલાક ચાલેલ મિટિંગમાં શ્રી જાળેલા સાહેબ,ત્રિવેદી સાહેબ, ડોડીયા સાહેબ, ગોહિલ સાહેબ, સરવૈયા સાહેબ વગેરે એ પ્રશ્નો અને વિવિધ ઉકેલ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.

Evalution

ભ્રમ નિરસન
શાળામાં ધોરણ 10 અને 12 નો વિદાય અને શુભેચ્છા સમારંભ યોજાયો ત્યારે શાળાના આચાર્યશ્રીઆર.બી.ગોહિલે એ વિદ્યાર્થીઓને કહ્યું કે “તમે આ શાળામાં ચાર વર્ષ ભણ્યા અને રહ્યા તમે હવે આ શાળાના શિક્ષકો, આચાર્ય અને સમગ્ર વહિવટી કાર્ય વિષે બે સારી બાબતો અને ત્રણ નબળી કે ના ગમતી બાબતો વિષે તમારું નામ લખ્યા વગર લખતા આવજો અને સુચન પેટીમાં કાગળ નાખી દેજો.”
ઘણા બધા કાગળો પેટીમાં આવ્યા.મને થયું કે બાળકો-વિદ્યાર્થીઓ આપણું કેમ મૂલ્યાંકન કરી શકે ?તેમને તો આપણી વિષે પૂર્વગ્રહ પણ હોય આપણે ખીજાયા હોય તો આપણી વિષે સારું ના લખે પણ અમને થયું કે બધા કંઈ આવું ના લખે અને આપણી વિષે વિદ્યાર્થીઓ શું ધારે છે ?તે જાણવું તો આપણને ગમે જ.આપણે ઉત્તમ છીએ એવો ભ્રમ પણ તૂટે.કેટલીક વાર આપણી શ્રેષ્ઠતા ગ્રંથી હોય છે કે આપણી વિચારસરણી જ સાચી ?હું જ સારું ભણાવું છું.આવો ભ્રમ હોય કે સત્ય તેની ખબર પડે તે માટે આવું વસ્તુલક્ષી મૂલ્યાંકન દરેક શાળા શિક્ષક અને આચાર્ય અરે !દરેક વ્યક્તિ એ સમયાંતરે કરતા રહેવું જોઈએ.કેટલીક વાર વિદ્યાર્થીઓ કે અન્ય લોકો  આપણને રૂબરૂ અભિપ્રાય આપતા અચકાય છે અને આપણને ઘણા ભ્રમ હોય છે કે ….
1 હું જ સભામાં સારું વક્તવ્ય આપું છું.
2 હું સારું ગાઈ શકું છું.
3 હું શાળામાં ખૂબ જ કામ કરું છું.
4 હું રસપ્રદ રીતે ભણાવું છું.
5 હું નિષ્ઠાપૂર્વક પૂર્વક ભણાવું છું.
6 હું જ સત્યવાદી છું.
7 મારા થકી જ બધું સારું ચાલે છે.
આવા વિવિધ ભ્રમ સંચાલકો શિક્ષકો આચાર્ય વગેરેને હોય શકે અને કદાચ આ ભ્રમ નહિ પણ સત્ય પણ હોય શકે.
કેટલીક વાર મૂલ્યાંકન કરનાર પણ રાગ દ્વેષ થી લખે પણ બે-ચાર વર્ષે તેને શિક્ષક કે આચાર્યની વાત સાચી પણ લાગે અભિપ્રાય બદલાય પણ ખરો.આચાર્યશ્રી એ કહ્યું કે ભવિષ્યમાં તમારો અભિપ્રાય બદલાય તો પણ અમને જાણ કરજો.ખરેખર આવું વસ્તુલક્ષી મૂલ્યાંકન દરેક વ્યક્તિએ સંસ્થાએ નેતાએ અને સંઘોએ કરવું જ રહ્યું.
અલબત્ત ! પ્રગતિ કરવી હોય તો…..