Thought Of The Day

આત્મશ્લાધા શતવારમ્ કુર્વન્ શક્રો અપિ શ્વાનતામ્ યાતિ !

જો ઇન્દ્ર પોતાના સો વાર વખાણ કરે તો તે પણ કૂતરા જેવો ભાસે છે.

કોઈપણ વ્યક્તિને પોતાના વખાણ કરતો માણસ ક્યારેય ગમતો નથી કેમ કે સાંભળનાર વ્યક્તિને હંમેશાં પોતાના વખાણ કરવાં ગમે છે પરંતુ બીજાનાં વખાણ સાંભળવા ગમતા નથી તેથી જ ઉપરની પંક્તિમાં કહ્યું છે કે પોતાના વખાણ કરનારો માણસ બીજાને માટે હંમેશા કૂતરા જેવો ભાસે છે. વખાણ બાબત એવી છે કે જે પોતાના હોય તો ગમે પરંતુ બીજાનાં વખાણ સાંભળવામાં વ્યક્તિને કંટાળો આવે છે અને વખાણ કરનાર વ્યક્તિ પોતાના વખાણ કરે ત્યારે તેને મજા આવે પણ બીજા તે સાચા વખાણ છે કે ડંફાસ તેનું મૂલ્યાંકન કરતો હોય છે તેથી આત્મશ્લાધા ક્યારેય ન કરવી તેવું આ પંક્તિમાં કહ્યું છે.પોતાના વખાણ કરતી વખતે ધ્યાન રાખવું કે સાંભળનાર વ્યક્તિ મારી કરતા હોંશિયાર છે.

જો કે મને તો એમ થાય કે કૂતરો ક્યારેય પોતાના વખાણ કરતો નથી એટલે આવા માણસની ઉપમા તેને આપવી યોગ્ય નથી.ખરેખર તો આવી સ્વપ્રશંસા કરતી કરતા કૂતરો પણ સારો કહેવાય.

Advertisements

Stuti

वयं त्वां स्मरामो वयं त्वां भजामो !
वयं त्वां जगत्साक्षिरूपं नमाम: !
सदेकं निधानं निरालम्बमिशम् !
भवाम्भोधिपोतं शरण्यं व्रजाम: !!
અમે તને યાદ કરીએ છીએ અમે તને ભજીએ છીએ જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ જેનું કોઈ આલંબન નથી તેના આલંબન રૂપ સત્યનું આશ્રય રૂપ,ભવ રૂપી સાગરમાં હોડી રૂપ એવા અમે તમારા શરણે છીએ.
भयानां भयं भीषणं भीषणानां !
गति प्राणिनां पावनं पावनानां !
महोच्चैपदानां नियन्तृत्वमेकं !
परेषां परं रक्षकं रक्षकानाम् !!
બધા ભય માટે ભય રૂપ,ભયંકરમાં ભયંકર,બધા પ્રાણીઓની ગતિ અને પવિત્રમાં પવિત્ર, બધા ઉચ્ચ પદોને પણ નિયંત્રિત કરનાર,બધાથી પર -અલગ અને બધાનું રક્ષણ કરનાર છે.
यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुवन्ति दीव्यै: सत्वै: !
वेदै:साङ्गपदक्रमोपनिषदै: गायन्ति यं सामगा: !
ध्यनावस्थित तद्गतेनमनसा पश्यन्ति यं योगिनो !
यस्यान्तं न विदु: सुरासुरगणा: देवाय तस्मै नम:!!
જે તત્વને બ્રહમા,વરુણ,ઇન્દ્ર,મરુત વગેરે દિવ્ય સ્તુતિથી સ્તવન કરે છે.વેદ અને વેદાંગો અને ઉપનિષદો અને સામવેદ ગાન કરે છે યોગીઓ ધ્યાનમાં સ્થિર ચિત્ત કરીને જેને જુએ છે.જેનો અંત દેવો અને અસુરો પણ જાણી શકતા નથી તે દેવને નમસ્કાર.

Thought Of The Day

बहवः यत्र नेतार: सर्वे पण्डित मानीन:|
सर्वे महत्वमिच्छन्ति तत् वृन्दं विनश्यन्ति ||
જ્યાં અનેક નેતાઓ હોય,બધા પોતાને નેતા માનતા હોય-પંડિત માનતા હોય અને માન અને પોતાનું મહત્વ ઈચ્છતા હોય તે વૃંદ -Group-નાશ પામે છે.આવું કુટુંબ કૂળ કે સંસ્થા કે સમૂહનો નાશ થાય છે.જ્યાં વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ઓગાળીને જીવે તેવું કુટુંબ કે સંસ્થા ટકી રહે છે બધા આત્મશ્લાધામાં જ રાચ્યા કરે તેવો સમૂહ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે અને કાળની ગર્તામાં તેનો લોપ થઈ જાય છે.

Thought Of The Day

મોટપ મોટા નર તણી, આપોઆપ કળાય,

હાથીને ભલી ઘંટડી, ઢોલ કદી નવ સહાય.

કવિ અહીં મોટો માણસ કેવો હોય તેની વાત કરે છે.માણસ પૈસા,જ્ઞાતિ,જર ઝવેરાત પહેરવાથી,સારાં કપડાં ધારણ કરવાથી  કે હોદ્દાથી મહાન ના કહેવાય એની મોટપ તો આપોઆપ એટલે કે તેની સંસ્કારિતાથી તે ઓળખાય છે.સારો વક્તા કે અભિનેતા કે મધુર વાણી મહાનતા આપતી નથી પરંતુ  વાણી અને વર્તન એક હોય તેવી વ્યક્તિનું માન આપોઆપ વધે છે.

ઘણીવાર કાંઈ ના બોલનાર વ્યક્તિ પણ મોટપ ધરાવતી હોઈ છે હાથીને માન આપવા ઘરની બહાર નીકળો તેવું લોકોને ઢોલ વડે જાહેરાત કરવી પડતી નથી એની નાનકડી ઘંટડી પણ લોકોને બહાર આવવા મજબૂર કરી દે છે.હું મહાન છું તેવો ઢંઢેરો હાથીએ ટીપાવો પડતો નથી.સામાન્ય માણસોને આવા ઢંઢેરા કે ઢોલ વગાડવા પડે છે કે માણસો રાખવા પડે છે.

Dronachary-Testtube Baby

દ્રોણાચાર્યની ઉત્પત્તિ અને દ્રોણ શબ્દની વ્યુત્પત્તિ રસપ્રદ છે.દ્રોણ એટલે લીલા પાંદડાનો પડિયો.એકવાર ભરદ્વાજ ઋષિ ગંગા કિનારે સ્નાન કરવા ગયા ત્યાં ઘ્રુતાચી નામની અપ્સરા ત્યાં જોઈ.અપ્સરાને જોઇને ઋષિ મોહિત થયા અને ઋષીએ તેમનું તેજ પડિયામાં રાખ્યું અને તેમાંથી વિદ્યા-મંત્રો દ્વારા જે પુત્ર ઉત્પન્ન થયો તે દ્રોણ.આમ દ્રોણ એટલે પડિયો.પડીયામાંથી ઉત્પત્તિ થઈ એટલે તેમનું નામ “દ્રોણ”પડયું.
જો કે કૌરવ પણ આવી રીતે જ ઉત્પન્ન થયેલા તેવી કથા છે ગાંધારીને એક માંસપીંડ ઉત્પન્ન થયો તેના સો અંશ કરવામાં આવ્યા અને તેમને યજ્ઞકુંડમાં રાખીને મંત્ર વિદ્યા દ્વારા કે રસાયણ વિદ્યા દ્વારા કૌરવોની ઉત્પત્તિ થઈ હતી.આમ મહાભારત કાળનું વિજ્ઞાન ઘણું વિકસિત થયેલું તેવું જોવા મળે છે.
સુદર્શન જેવું અસ્ત્ર અને આગ્ન્ય અસ્ત્ર,જલાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર પણ વિજ્ઞાનની એ વખતની સ્થિતિ નિરૂપે છે.

નીતિસાર

कुरंगमातंगपतंगभृंग मीना हता: पञ्चभिरेव पञ्च ।

एक:प्रमादी स:कथम् न घात्यो य: सेवते पञ्चभिरेव पञ्च ।।

મૃગ,હાથી,પતન્ગીયુ,ભમરો અને માછલું આ પાંચ અનુક્રમે શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ દ્વારા આ પાંચ જીવોને બંધન થાય છે..(હણાય છે) એક પ્રમાદી માનવી તો પાંચ બળવાન ઇન્દ્રિયવાળો છે તે કેમ ના હણાય?

Nitisar

नीतिसार
कुचैलिन्म् दन्तमलोपधारिनम् बहवाशिनं निष्ठुरवाक्यभाषिणं |
सूर्योदये ह्यस्तसमयेड़पि शायिनम् विमुञ्चति श्रीरपि चक्रपाणिम् ||
જે મલીન વસ્ત્ર ધારણ કરે છે,દાંત સ્વચ્છ રાખતો નથી,વધારે ભોજન કરે છે,કઠોર વાણી બોલે છે,સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ઊંઘે છે,તે જો સાક્ષાત વિષ્ણુ હોય તો પણ તેને લક્ષ્મી છોડી દે છે.
જે નખ વડે તણખલું તોડે છે,પૃથ્વી પર લખે છે,પગ ધોતો નથી,દાંત સ્વચ્છ રાખતો નથી,મલીન વસ્ત્ર પહેરે છે,માથું ઓળતો નથી,સવાર-સાંજ ઊંઘે છે,વસ્ત્ર ધારણ કર્યાં વગર શયન કરે છે, ભોજન અને મશ્કરી વધારે કરે છે,પોતાના અંગો અને આસન પર તાલ દે છે (વગાડે છે) તે વિષ્ણુ સમાન હોય તો પણ લક્ષ્મી તેને છોડી દે છે.