Mahabharat-Rupak

મહાભારત -રૂપક
ડગલે પગલે કુરુક્ષેત્ર છે, અર્જુન હું ય થનાર
રસ્તો બતાવનાર ક્યાં છે ગીતાનો ગાનાર.
હું બધાના હૃદયમાં સ્થિત આત્મા છું.
આમ કહેનાર કૃષ્ણ જ કહે છે કે આ વાતને ઊંડાણથી સમજો.
કૃષ્ણ -જ્ઞાન તરફની ગતિ ધરાવતો આત્મા
મહાભારત -દરેક્નું જીવન
ગોપીઓ-ઇન્દ્રિયો
૧૬૦૦૦ પત્ની -શરીરમાં રહેલ નાડીઓ
રાધા -રતિ -શુદ્ધ પ્રેમભાવ
યુધીષ્ઠીર -જીવનમાં સ્થિર રહેવાની શક્તિ
અર્જુન -મન
ભીમ-શારીરિક બળ
સહદેવ-ભવિષ્યની ચિંતા અને આયોજન
નકુલ -રૂપ-દેખાવ પ્રત્યે સભાનતા
દ્રૌપદી -બુદ્ધિ મતિ લાભાલાભનો વિચાર કરનાર
કર્ણ -ઉદાર પરંતુ બીજાના સદભાવને યાદ રાખનાર
દુર્યોધન-અહંકાર ભરેલ આપણી જ યુદ્ધની મનોવૃત્તિ
દુશાસન -આત્મા પર ખોટી સત્તા
ધૃતરાષ્ટ્ર -બીજાનું પડાવી લેવાની વૃત્તિ
પાંડુ -અનિયંત્રિત કામવૃત્તિ અને ભલમનસાઈ
કુંતા -સાક્ષીભાવથી સત્યને અનુસરતી બુદ્ધિ
માદ્રી -પ્રેમ સદાચાર માટે ખપી જવાની ભાવના
ગાંધારી -ખોટું થાય ત્યારે આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ
ભીષ્મ -ફક્ત સત્તાને આધીન -પિતૃભક્તિ
દ્રોણ-અદમ્ય વેરવૃત્તિ માટે શિષ્યોનો સાધન તરીકે ઉપયોગ
સાંદિપની -શિષ્યોને ભાવ-પ્રેમ અને કુટુંબભાવ પૂરું પાડનાર
કૃપાચાર્ય -સત્તાને આધીન શિક્ષક -બનેવીને નોકરી અપાવનાર
દ્ર્પદ-વેરભાવ માટે ગમે તે કરનાર
ધૃષ્ટદુમ્ન -પિતાનું વેર લેવાની વૃત્તિ
આ બધા જ પાત્રો આપણી મનની જ વૃત્તિ છે આપણે કોઈ આનાથી પર નથી.ફક્ત કૃષ્ણ બનીને જ્ઞાન રૂપી તલવારથી જીવન રૂપી બંધન કાપવાના છે.

Purush-Sankhydarshan

આજકાલ મનોરોગ અને હ્રદયરોગનું પ્રમાણ વધતું જોવા મળે છે.
આ રોગોનો ઉત્તમ ઉપાય ભગવતગીતામાં જોવા મળે છે.આ ગ્રંથમાં સાંખ્યશાસ્ત્રની અસર જોવા મળે છે.સાંખ્યદર્શનમાં જગતની ઉત્પત્તિ પુરુષ અને પ્રકૃતિ દ્વારા થઈ છે તેવું કહ્યું છે.સાંખ્યનો “પુરુષ” એટલે આત્મા.જેને કોઈ જાતિ નથી “પુરુષ”નો અર્થ વ્યવહારમાં “નર”એવો થાય પણ સાંખ્ય દર્શન અનુસાર આનો અર્થ “આત્મા”થાય.
આ નવ છિદ્ર કે નવ દ્વાર વાળા “પુર”નગરમાં રહેનાર કે વસનાર એટલે પુરુષ.
पुरी शयते असौ पुरुष !
તનાવ કે રોગથી દૂર કરવા માટે કોઈપણ વ્યક્તિએ સાંખ્યનો પુરુષ એટલેકે આત્મભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો પડે.આત્મા આ દેહથી ભિન્ન છે તેવો ભાવ એટલે ભેદ સ્વરૂપનું જ્ઞાન.આને માટે અભ્યાસ કરવો જરૂરી વારે વારે મનને કહેવું પડે “તું કોઈ વ્યક્તિ નથી પણ એક અનામી આત્મ સ્વરૂપ છો ઘર,નોકરીનું સ્થળ,સગાવહાલા,મિત્રો વગેરે સાથેના સંબંધો નાશવંત છે.એમ સમજાવવું રહ્યું.”
ભગવતગીતાના દસમા અધ્યાયમાં બધા શ્રેષ્ઠ તત્વ “હું છું” તેવું કહ્યું છે.શું કૃષ્ણ આવા અભિમાની હોય શકે ??નહિ તે શરીરમાં રહેલ આત્મ તત્વનો નિર્દેશ કરે છે અને સર્વ શક્તિશાળી કોઈ હોય તો આત્મતત્વ છે.
આત્મા હંમેશા તુષ્ટ અને આનંદમાં રહેવો જોઈએ.ત્યારે જ આવું બની શકે કે જયારે આત્મભાવ અને દૃષ્ટાભાવ આવે.”આ જગત એના ચોક્કસ સમય અને ક્રમમાં ચાલી રહ્યું છે અને ચાલ્યા કરવાનું છે કાળના આ ચક્રમાં વ્યક્તિ કોઈ પરિવર્તન કરી શકે નહિ જે પરિવર્તન થવાનું છે તે સમયને અનુસરીને થાય છે કોઈ માણસ આ કરી શકે નહિ.હા,નિમિત જરૂર બની શકે.
અગિયારમાં અધ્યાયમાં કુષ્ણ-આત્મા કહે છે કે “આ બધા મૃત્યુ પામેલા જ છે તું ફક્ત નિમિત બન”વિશ્વરૂપદર્શન દ્વારા પોતે કાળ સ્વરૂપ છે અને પોતાના મુખમાં બધા પ્રવેશતા અર્જુનને જોવા મળે છે.
સમગ્ર ગીતા પ્રતીકાત્મક છે…તેમ લાગે કૃષ્ણ -આત્મા અને અર્જુન -મન છે.દ્રોપદી એ બુદ્ધિ છે-મતિ છે.તે પાંચ પાંડવને વરી છે બુદ્ધિ એ
સત્ય-યુધિષ્ઠિર
અર્જુન -મન
ભીમ-શરીર કે દેહ
સહદેવ-જ્ઞાન
નકુલ-બાહ્ય રૂપ કે આકાર
બુદ્ધિ આ પાંચ બાબતોને વરી હોવા છતાં તેણે કૃષ્ણ-આત્મામાં મન સ્થિર હોય તો આ કુરુક્ષેત્ર -શરીરમાં રોગો રૂપી 11 અક્ષોહિણી સેનાને જીતી શકાય છે.દ્રોપદી અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી છે શુદ્ધ બુદ્ધિ આકરી કડવી લાગે છે.
દુર્યોધન-કામ
દુ:શાસન-ક્રોધ
ગાંધારી -અંધ અનુકરણવૃત્તિ
ધૃતરાષ્ટ્ર -કોઈનું લઇ લેવાની વૃત્તિ
દ્રોણ -બદલો લેવાની વૃત્તિ
ભીષ્મ-સરળતા અને ત્યાગવૃત્તિ
આ બધા પાત્રો વ્યાસમુનિના માનસસંતાનો છે.પરંતુ કૃષ્ણ એ આત્મતત્વ છે આપણું અર્જુન રૂપી મન અને દ્રોપદી રૂપી બુદ્ધિ તેમાં સ્થિર થાઓ એ જ ઈશ્વરને પ્રાર્થના.આવો આત્મભાવ પ્રાપ્ત થાય એટલે આપણે સાંખ્યના પુરુષ કહેવાઈએ.ભલે દેહ સ્ત્રીનો હોય પણ આત્મભાવ હોય તો તેવી સ્ત્રી પણ સાંખ્યનો પુરુષ કહેવાય.

Knowledge In Religious Life

ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ
ज्ञा એટલે જાણવું.જ્ઞાન ના હોય તો ધર્મ એ શું ?એ જ ખ્યાલ હોતો નથી.આથી ધર્મનો ખ્યાલ હોય તેને જ ધાર્મિક જીવનનું મહત્વ હોય.જ્ઞાન વગર માણસ ધર્મ સાચો શું ?એ સમજી શકતો નથી.તેને શ્રધ્ધા જ પરમતત્વમાં હોતી નથી.ધર્મને સમજવા માટે પણ જ્ઞાન જરૂરી છે.
જ્ઞાન હોવા માત્રથી જ ધર્મ સમજાય જતો નથી પણ કોરું ઈશ્વર અને ધર્મ પ્રત્યે ભાવ -લાગણીના હોય તો તેવું જ્ઞાન અભિમાન અને તોછડાપણું આપે છે અને દંભ કરતા પણ શીખવે છે આવો ધર્મ પ્રત્યેનો શુષ્ક અભિગમ વ્યક્તિ અને સમાજને હાનિ કરે છે.
ધર્મને સમજવા શાસ્ત્રનું જ્ઞાન આવશ્યક છે જેથી પરમ તત્વને જાણવાની ઈચ્છા જન્મે ज्ञानेन विना न मुक्ति | જ્ઞાન વગર મોક્ષ ના મળે.મોક્ષ ત્યારે જ મળે કે સ્વ-સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય.શરીર અને આત્મા ભિન્ન છે તેવું જ્ઞાન એટલે જ ભેદ સ્વરૂપનું જ્ઞાન.આવો ભેદ પરખવા માટે ધાર્મિક જીવનમાં જ્ઞાન જરૂરી છે.ઋષિમુનીઓ જ્ઞાન અને સમજ દ્વારા જ જીવનમાં આધ્યાત્મિક સુખ અને આનંદને પ્રાપ્ત કરે છે.

Yugpurush

wp-1487942742583.jpeg


આજે શાળામાં રાત્રે ૮ વાગ્યે એક અદ્ભુત નાટ્ય પ્રયોગ રજૂ થયો.
ધોરણ ૧૨ ના તત્વજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ ૭માં વર્ષોથી ગાંધીજીનું અભય વિશેનું ઉદ્ધરણ ભણાવું અને અભય વિષે નોંધ પણ લખાવું કે માણસને સૌથી મોટો ભય મૃત્યુનો છે બીજા ભય તો દૂર થઈ શકે પણ મૃત્યુનો ભય દૂર થતો નથી અને તે જ જીવનના દરેક ક્ષેત્રમાં બાધક બને છે.
ગાંધીજીનો આ ભય દૂર કરનાર કોણ?
આ સમગ્ર નાટકમાં આ બાબત સતત દૃષ્ટિ ગોચર થાય છે કે ગાંધીજીના મનમાંથી ક્ષણ ભંગુર દેહની પ્રીતિ શ્રીમદ્ રાજચંદ્રે કેવી રીતે દૂર કરી.ડગલે અને પગલે ભય ઉત્પન્ન થાય અને “મોહન”ને શ્રીમદ્ રાજચંદ્રના વચનો બળ પૂરું પાડે છે અને મોહનમાંથી “મહાત્મા”તરફની ગતિ આ “યુગપુરુષ” માં જોવા મળી સમગ્ર ઉમરાળા ગામને અને તત્વજ્ઞાન ભણનાર અને ભણી જનાર વિદ્યાર્થીઓને આ નાટકે ઝકડી રાખ્યા.શબ્દો કરતા અભિનય અને ભાવ ઘણું મોટું કાર્ય કરી ગયાં એ પ્રતીત થયા વગર ના રહ્યું.આત્માની નિત્યતા અને દેહની નશ્વરતા સમગ્ર નાટકમાં જોવા મળી.
એક વેપારી પાસે ખરીદેલા મોતી પરત કરે ત્યારે અને શતાવધાન પ્રયોગ દ્વારા કીર્તિ અને યશ મેળવવાને બદલે આત્મજ્ઞાનને મહત્વ આપનાર અને ભૌતિકતા નો ત્યાગ કરનાર મૂઠી ઊંચેરા શ્રીમદ્ રાજચંદ્રને શત શત નમસ્કાર….

Education Is Soul Of School

શિક્ષણ એ શાળાનો પ્રાણ
શિક્ષણસંસ્થા તાત્વિક રીતે એક દેહ છે જેવી રીતે આપણો દેહ અને આત્મા ભિન્ન છે તેવી જ રીતે સંસ્થાનું મકાન અને ભૌતિક સુવિધા એ તેનો બાહ્ય દેખાવ થયો.આ સમૃદ્ધિ અને દેખાવ સાથે તેનું અંતકરણ એટલે કે મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર આવું સુક્ષ્મ શરીર પણ સમૃદ્ધ થવું જોઈએ અને સાથે પ્રાણ રૂપી શિક્ષણ તત્વ તો સમૃદ્ધ થવું જ જોઈએ.સ્ત્રી રૂપાળી ગમે તેટલી હોય તેને સોનાના ઘરેણાથી મઢી દેવામાં આવે પણ તેનામાં સ્ત્રીત્વ એટલે કે લજ્જા માન-મર્યાદા પતિ પ્રત્યે લાગણી અને બાળક પ્રત્યે વાત્સલ્ય ના હોય તો તે સ્ત્રી પતિ અને સમાજ માટે કેટલી ઉપયુક્ત???
શૈક્ષણિક સંસ્થા પણ ભૌતિક રીતે સમૃદ્ધ બને પણ તેના અંતકરણો રૂપી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં મૂલ્યો શિક્ષણ પ્રતિ સદભાવ પણ જન્મવો જરૂરી છે.શિક્ષણ સંસ્થાના આયોજકોએ એક તબક્કે આ ભૌતિક સમૃદ્ધિથી ઉપર ઉઠવું પડે છે-સમૃદ્ધિનો અસ્વીકાર કરવો પડે.બીલ ગેટ્સ હોય કે  જલારામ મંદિર હોય તેમણે એક તબ્બકે આર્થિક બાબતોનો અસ્વીકાર કર્યો કેમકે જરૂર કરતા વધી જતી સુવિધા ઝેર સમાન છે.
કેટલાક માતા-પિતા બાળકોને વાર્તા કે બાળગીત મોબાઈલ પર સંભળાવી દે છે પરંતુ માતા-પિતા તરીકે વાત્સલ્ય ભાવથી પોતે ગાઈને સંભળાવે તે બાબત અલગ છે પત્ની પ્રેમ થી જમાડે અને રોબોટ મોઢામાં કોળીયો આપે તેના જેવી વાત થઇ.
જુના જમાનામાં ઋષિ-મુનિઓ એ આદેશ કર્યો હોત તો રાજાઓ એ શહેરમાં જ અદ્યતન સુવિધાવાળી સંસ્થા-આશ્રમ બનાવી દેત પણ ના તે તો વનમાં જ શિક્ષણ આપતા આ શું સૂચવે છે??
મને શાળાના ભાવોત્સવ સમયે સલ્લા સાહેબ અને ભાઈ સુરેન્દ્રસિંહે કહેલું કે સમૃદ્ધિને હવે તાલીમ અને મૂલ્ય શિક્ષણ તરફ વાળવાની તાતી જરૂરિયાત છે વધુ પડતી સમૃદ્ધિ એ દ્વારિકામાં પણ યાદવાસ્થળી કરાવી હતી જેમ દેહ ખૂબ સ્થૂળ બને ત્યારે તેને ચાલવાની અને વિવિધ કસરતો કરાવવી પડે તેમ સમૃદ્ધ સંસ્થાઓએ તે સંસ્થાને સુદ્રઢ રાખવા મૂલ્યોનું ઘડતર અને શિક્ષણ રૂપી પ્રાણ જાળવવા મથામણ કરવી જ રહી.

Chittbhumi

ચિત્તભૂમિ
યોગદર્શનમાં ચિત્તભૂમિના પાંચ પ્રકાર વર્ણવ્યા છે.
ક્ષિપ્ત ચિત્તભૂમિ : ચિત્તની આ અવસ્થામાં રજોગુણનો પ્રભાવ વધુ હોય છે. રજોગુણ વધે એટલે પ્રવૃત્તિ વધે અને મનની ચંચળતા વધે ચિત્તની આ ચંચળ સ્થિતિમાં વાનર જેવી હોય છે ઘડીક વારમાં મન અહીં તો ઘડીક તહીં હોય છે મન ધજાના છેડા જેવું ચંચળ બને છે.વિચારની અસ્થિરતા આમાં જોવા મળે છે.
મૂઢ ચિત્તભૂમિ : આ અવસ્થામાં મન જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિષયો તરફ દોરવાય જાય છે.તેના પાંચ વિષયો-શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ-તરફ મન આકર્ષાય છે.રસ્તા પર ઉભેલ ગધેડો કે માછલી પકડવા ધ્યાનમાં લાગેલ બગલો સ્વાદ કે વિષય આસક્ત હોવાથી મૂઢ અવસ્થામાં હોય છે.આને ધ્યાન ના કહેવાય કેમકે મન વિષયમાં સ્થિર હોય છે આત્મામાં નહિ.આ મૂઢ અવસ્થામાં તમોગુણ વધારે પ્રભાવી હોય છે.
વિક્ષિપ્ત અવસ્થા: આ સ્થિતિમાં સત્વ ગુણ વધે છે મન થોડું થોડું સ્થિર થાય છે ક્ષણિક મન આત્માની અનુભૂતિ કરે છે અને આત્મા અને દેહ ભિન્ન છે તેવી અનુભૂતિ થાય છે.થોડાક જન્મ પછી મોક્ષ મળી શકે તેવી અનુભૂતિ થાય અને આનંદનો અનુભવ થાય છે મુક્તિનો પ્રારંભ અહીંથી થાય છે.વિષયો તરફથી થોડીવાર મન પાછું વળે  છે.
એકાગ્ર અવસ્થા: આ અવસ્થામાં સત્વ ગુણની માત્રા વધે છે વિષયો તરફથી મન પાછું વળે છે આ અવસ્થા લાંબો સમય ટકી રહે છે.આત્મામાં મન સ્થિર થવા લાગે છે અને દેહ અને આત્મા ભિન્ન છે તેવી અનુભૂતિ થાય છે આનંદનો અનુભવ થાય છે.
સમાધિ :આમાં સત્વ,રજ અને તમસ આ ત્રણે ગુણોથી મન છૂટું પડી જાય એટલે કે મનની ત્રિગુણ અતીત અવસ્થા પ્રાપ્ત થાય છે ચિત્ત નિરુદ્ધ થાય છે મન વિષયો તરફ જતું
નથી .આત્મામાં મન સ્થિર થાય છે,આનંદની આ ઉત્તમ અવસ્થા છે.

Micro Body

જ્ઞાનને કોઈ સીમા નથી હોતી કેટલીકવાર તો જૂનું આપણા પૂર્વજો દ્વારા શોધાયેલ સિધ્ધાંત કે જ્ઞાન અંદરથી ઉદ્ભવે છે આજના યુગની ભાષામાં આપણને તે જાણે copy-pest લાગે છે.આપણે જે વિચારીએ તે કંઈ નવું નથી હોતું.પરંપરાગત જ હોય છે.આપણો અનુભવ નવો હોય છે ભગવતગીતા કે પુરાણ વાંચો ત્યારે દરેક વખતે નવો અર્થ અભિપ્રેત થતો હોય છે.
શ્રાદ્ધ વિશે વિચારીએ ત્યારે પાંડુરંગશાસ્ત્રીનું પુસ્તક યાદ આવે,ગરુડપુરાણ યાદ આવે,ગીતા તો યાદ આવે જ..नैनं छिन्दन्ति शस्त्राणि…કેમ ભૂલાય ?આ બાબતો વિશે આપણને આપણી જાત ખૂબ વામણી જ લાગે.
પરંતુ મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન,પરાવિજ્ઞાનની ચર્ચા થાય ત્યારે અને મૃત્યુ પછીનું જીવન છે કે નહિ તેવું વિચારતી વખતે કુતૂહલવશ માનવીને થયા જ કર્યું છે શું આ મૃત્યુ પછી સૂક્ષ્મ શરીર હશે કે નહીં.

આજકાલ વાંચવાનો શોખ ઘટ્યો છે-આમછતાં વાંચવાવાળા તો વાંચે જ છે. પરંતુ હવે સોક્રેટિસની જેમ લોકોને ચર્ચા દ્વારા ચોકમાંથી-વોટ્સ એપ દ્વારા જ્ઞાન મળવા લાગ્યું છે કે ફેસબુક જ્ઞાનનું માધ્યમ બન્યું છે.
શ્રાદ્ધ ભાદરવા માસમાં જ કેમ?આ ગાળામાં જ કેમ પૂર્વજોના સ્વપના આવે..શું આ મનની ઢીલી આદત છે? વહેમ કે માન્યતા છે?દક્ષિણાયનમાં જીવો પાછા ફરે છે તેવી માન્યતા કરતા તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય સમજવું જોઈએ કેમકે આ વાત કૃષ્ણ ગીતામાં કહી છે.આ શ્રાદ્ધ પક્ષમાં તમોગુણનો પ્રભાવ વધે છે -મોહ વધે છે એ તો “એક સાથે એક ફ્રી” જેવી વાત છે.
મેઘ -વરસાદ દ્વારા જીવો પાછા ફરે.અરે!જળ એ જ જીવન એવું આપણે કહીએ છીએ.સમગ્ર સૃષ્ટિનો પ્રારંભ જ જળમાંથી થયેલો.મત્સ્ય પુરાણમાં નારાયણનો પ્રથમ અવતાર જ મત્સ્ય અવતાર.
ભાદ્રપદ માસમાં જે જીવો ઈચ્છાઓ અધુરી હોય અને મૃત્યુ પામ્યા હોય તેમની પાસે ફક્ત સૂક્ષ્મ શરીર જ હોય તે તેમના રાગદ્વેષ પૂરા ના થાય ત્યાં સુધી સૂક્ષ્મ શરીર ધારણ કરી ભમ્યા કરે છે તેમની પાસે મન છે -સંવેદના છે વ્યક્ત કરવા ભૌતિક શરીર નથી આ સમયમાં પ્રકૃતિ આ બધા જીવોને રાગદ્વેષ પૂરા કરવા દેહ ધારણ કરવા સમય-મોકો આપે છે આ સમયમાં ઉત્પન્ન થતા જીવો ઘણું થોડું આયુષ્ય ભોગવે છે અને વિદાય લે છે કોઈકને દુઃખ આપે છે અને દુઃખ મેળવે પણ છે એમ કહોને કે એમને ટેમ્પરેરી પૃથ્વી પર આવવાની તક મળે છે.
કેટલાક સારા સંતોષી જ્ઞાની જીવો પાછા આવવા ઈચ્છતા નથી ફક્ત શુદ્ધ ભાવ અને લાગણી દ્વારા તમારી પાસે સારું કાર્ય કે પોતાની સારી ઈચ્છા પૂરી કરાવવા માંગતા હોય છે તેમની પાસે શરીર નથી પણ સૂક્ષ્મ શરીર છે તે તમારી આરામની કે ઊંઘની અવસ્થામાં આવીને સ્મિત વેરીને સ્વજનો પોતાની લાગણી વ્યક્ત કરે છે તમે ક્યારેય યાદ ના કરતા હો તેવા ભૂતપૂર્વ શિક્ષક કે વડીલ તમરી સામે સ્વપ્નમાં આવી સ્મિત કરે તો તમને આશ્ચર્ય થાય ને?ત્યારે સ્વપ્નમાં તમે ચા કે પાણી પીતા હો નાસ્તો કરતા હો,કે ભોજન કરતા હો તો તેમની અપેક્ષા તેવી સમજીને તેવા પ્રકારની મદદ લોકોને કરવી કે સત્કાર્ય કરવું એમ પુરાણો કહે છે.
સૂક્ષ્મ શરીર વિશે સીલ્વન મૂલડ્રન -પરા મનોવૈજ્ઞાનિક અને હેરવાર્ડ કેરીંગટનના સંશોધનો વાંચવા જેવા છે.