અદના આચાર્ય

અમારી શાળામાં જેમની સાથે 29 વર્ષ નજીકથી ગાળ્યા છે તેવા શિક્ષક અને આચાર્ય -મિત્ર જયરાજસિંહ ગોહિલ.જેમની સાથે રહેવાથી મને ગ્રામ્ય જીવન અને શાળાનો પરિચય થયો.નોકરીમાં સ્થિર થવામાં ઉપરાંત જ્યારે જ્યારે નોકરીમાંથી મુક્ત થવાનું મન થાય ત્યારે પરાણે હિંમત આપી ટકાવી રાખવાનું કામ તેમણે કર્યું.
ફક્ત મને જ નહીં બાકીના સમગ્ર સ્ટાફને જકડી રાખવો અને જીવન ઘડતર અને ઘણાને આર્થિક મદદ પણ કરી છે.અમારે એક શિક્ષક શિયાળ સાહેબ મહુવા પાસેના ગામમાંથી નોકરીએ આવ્યા પણ તેમને ચેન પડે નહીં ઓચિંતા ઘરે જતા રહે અને નોકરી નથી કરવી તેમ કહેવડાવે.તેમને સામાજિક સમસ્યા ભરપૂર પણ જયરાજસિંહ ગોહિલે તેમને હિંમત આપી.મકાન અને લગ્નની બાબતમાં સ્થિર કર્યા.
વાર્તા અને કહેવતોનો ભંડાર…આજે પણ સમગ્ર સ્ટાફને તેમની વાતો ડગલેને પગલે યાદ આવે.ગમે તેવા સંઘર્ષમાં સ્ટાફની સાથે રહે.આ બાબતમાં સ્ટાફના દરેક સભ્યોને માંદગી,સામાજિક સમસ્યામાં તેઓ મદદરૂપ થાય અને તેમની ઉપસ્થિતિ હોય જ.
ગરીબ વિદ્યાર્થીઓ અને સંસ્થામાં જ્યારે જરૂર પડે ત્યારે પોતે અને સ્ટાફની આર્થિક મદદ લઈને સામાન્ય રીપેરીંગ કરાવે.R.O.દ્વારા તેમના સમયમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા થઈ અને સ્ટાફ પથરીમાંથી મુક્ત થયો.
1982માં ઉચ્ચતર માધ્યમિક વિભાગ શરૂ થયો ત્યારે કોમર્સના બધા વિષયો આંકડાશાસ્ત્ર,નામું,વાણિજ્ય વ્યવસ્થા,અર્થશાસ્ત્ર અને બુકકિપિંગનો અભ્યાસ કરાવે..આંકડાશાસ્ત્ર સહેલી રીતે સમજાવે કે વિદ્યાર્થીઓને સૂત્રો શિરાની જેમ ગળે ઉતરી જાય.
આચાર્ય તરીકે જવાબદારી સ્વીકારી ત્યારે ‘આપણે સહુ આચાર્ય ‘એમ જ સૌને કહ્યું.આ વર્ષો દરમિયાન અમને મિત્રની જેમ જ જવાબદારીની વહેંચણી કરીને સાચવ્યા.વિદ્યાર્થીઓને ક્યારેય એવો ભાર સત્તાનો લાગવા ના દીધો કે વિદ્યાર્થીઓ તેમની પાસે આવી ન શકે.

Advertisements

કબૂતરની જાર અને મૂલ્યોના વાવેતર

કબૂતરની જાર અને મૂલ્યોના વાવેતર
ઇન્ટરવ્યૂ માટે શાળામાં પગ મૂક્યો.છ જગ્યા માટે ભરતી થવાની હતી એટલે ઉમેદવાર તો ઘણા હતા. મારા વિષયમાં સંસ્કૃતમાં બે જ ઉમેદવાર હતા.આમાં મારુ મેરીટ સારું એટલે પસન્દ થઈશ એવી ઉજળી આશા..છોટી સી ઉંમર -23 વર્ષ -અને છોટી સી આશા…
શાળાનો પ્રાર્થના રૂમ આમ પાછું રંગમંચ -આ રંગમંચ એ જ સ્ટાફ રૂમ એક પ્રભાવશાળી સફેદ ધોતિયું-કફની પહેરેલ 55 વર્ષની ઉંમરના દાદા…મેં હાથ જોડ્યા.’આવો’દાદા બોલ્યા.
મને લાગ્યું કે આ જ ટ્રસ્ટી મંડળના પ્રમુખ લાગે છે.ધીર -ગંભીર મુદ્રામાં હું બેઠો.હું વહેલો હતો.ભાવનગરથી આઠ વાગ્યાની “મિક્સ” ટ્રેઈનમાં ધોળા નવ વાગે ઉતરીને એક છકડામાં ઉમરાળા 9.30 પહોંચ્યો હતો. થોડીવારમાં કફની લેંઘામાં સજ્જ ક્લાર્ક આવ્યા.થોડીવારમાં 40 આસપાસની વય ધરાવતા સફેદ પેન્ટ શર્ટમાં સજ્જ આચાર્ય આવ્યા.આવીને દાદાને કહ્યું ,”હરિભાઈ, બધા માટે ચા મૂકી દેજો.આપણો સ્ટાફ અને DEO ઓફિસના કર્મચારી અને ઉમેદવારો.”
હવે ખબર પડી કે આ જાજરમાન દાદા છે. એ ‘પ્યુન’ છે.એમને ચા બનાવતા હતા એ દરમિયાન પૂછતા જાણવાં મળ્યું કે આ ટ્રસ્ટ ફક્ત ગુણવત્તાને આધારે જ નિમણૂક આપે છે.અહીં પૈસા કે લાગવગ અને જ્ઞાતિવાદ પણ નથી.બધી જ જ્ઞાતિના શિક્ષકો છે.પોતે આ શાળાના ટ્રસ્ટ સાથે, દાન માટે ફર્યા છે.તેમ પણ જાણવા મળ્યું.આ ટ્રસ્ટના પ્રમુખ તો જાદવજીભાઈ સવાણી છે.તેઓ અમેરિકા છે.અત્યારે ઉપપ્રમુખ બાબુદાદા છે.મારે માટે આ તાલુકો-ગામ નવા હતા.એ દરમિયાન ઇન્ટરવ્યૂ લેવાયો બે દિવસ પછી હાજર થવાનું બન્યું.
જ્યાં સાવ અજાણ્યું ગામ ત્યાં બે દિવસ રહીને હાજર થયો.શાળાના પ્રિન્સિપાલ ભટ્ટી સાહેબે કહ્યું કે તાસ લેતા થાકી જાવ તો બેસજો..ધીમે ધીમે ટેવ પડે.સમગ્ર સ્ટાફની ઈચ્છા એવી કે મને જલદી મકાન સારું મળે.પ્રયત્નોને અંતે તુરત મળ્યું પણ ખરું.
23 દિવસ ગયા. સપ્ટેમ્બર પૂરો થવા આવ્યો.આ દિવસોમાં સ્ટાફના દરેક સભ્યોને ત્યાં ચા-પાણી જમવાનું ચાલે બધાને ત્યાં જમ્યો હોઈશ.2 તારીખે પૂરા 758 રૂપિયા પગાર આવ્યો.કેશિયરે 760 આપ્યા.મેં કહ્યું મારી પાસે બે રૂપિયા છુટ્ટા નથી.મને કહે અનુકૂળતા એ આપજો.હું કલાક પછી બે રૂપિયા આપવા ગયો.મને કહ્યું કે એવી ચિંતા નહીં કરવાની અમે તમને ઓળખીએ છીએ.અને ટ્રસ્ટી મંડળમાં જ છીએ.આ કેશિયર એટલે રસિકભાઈ સવાણી.
રીસેસ પછી હરીદાદા નોટબુક લઇ ચાનું બિલ ઉઘરાવતા હતા.બધાનું બિલ 10 રૂપિયા હતું.મેં પૂછયું તો કહ્યું નવા સભ્યનું બિલ પહેલે મહિને નહીં.આવતા મહિને..હા કબૂતરની જારના 10 રૂપિયા આપવા હોય તો આપો.સવારમાં દરરોજ હું જોઉં કબૂતર ચણતાં હોય જારની બે ગૂણ પ્રાર્થનાખંડમાં પડી હોય.તેના પૈસા અને હિસાબ જુદો.દાદા રૂમાલ કે પૈસા અને પેન મળી હોય તે લઈને દરેક વર્ગમાં ફરે.જો કે વિદ્યાર્થીઓ પણ વસ્તુ લેવા દાવો ના કરે.ક્યારેય કોઈની વસ્તુ ક્યાંય જાય નહીં.એવા આ શાળાના મૂલ્યો આજે પણ જળવાઈ રહ્યા છે.દીકરીઓ પસાર થાય પછી જ વિદ્યાર્થીઓ -ભાઈઓ પસાર થઈ શકે.
એક જોશી સાહેબ તો એવા કે વિદ્યાર્થીઓની ફી માંથી છૂટ્ટા પણ ના આપે.ધર્મ અને કર્તવ્ય બંનેને નિભાવતા એવા સહકાર્યકારો પાસેથી મૂલ્યોના વાવેતર થાય એમાં શંકા નહીં

મેરુ અને મન કંઈ ના ડગે…

આજે 75 વર્ષે પણ જે કરોડરજ્જુ-મેરુદંડ સ્થિર રાખીને જ પ્રાર્થનામાં બેસે તે અમારી શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી મહેન્દ્રસિંહ એમ.ગોહિલ.અમે યુવાન હોવા છતાં પ્રાર્થનામાં એમ સ્થિર ના બેસી શકીએ.આજે પણ બાઇક કે ફોરવહીલ -કાર ચલાવે પૂરા આત્મવિશ્વાસથી…
વર્ષોથી ફૂલછાબ,જય હિન્દ દૈનિકના ખબરપત્રી,ગુજરાતી ભાષાની શબ્દો અને જોડણીની ભૂલ જરા પણ ના ચલાવે.અમારા સ્ટાફ માટે શિસ્ત અને ભાષાના ગુરુવર્ય.વર્ષો સુધી માધ્યમિક સંઘમાં ઉપપ્રમુખ રહેલા અમારા આ આચાર્ય ક્યાંય શિક્ષકોનો પ્રશ્ન હોય તો મદદ માટે તૈયાર.ગેસનો ચૂલો લેવા માટે એજન્સી ફરજ પાડે તો કાયદેસર અને સિદ્ધાંત મુજબનો આગ્રહ રાખે.વેપારી હોય કે કોઈ કચેરીના કર્મચારીને સાચી બાબતોમાં મદદ કરે અને ખોટી બાબતોમાં લડી લે.
આજે પણ પી.એમ.સર્વોદય હાઈસ્કૂલમાં ભાષાનું ગૌરવ અને આર્ટ્સ ટકી રહ્યું હોય તો શબ્દ ઉપાસના કરનાર સવાણી સાહેબ અને જોડણીમાં સચેત ગોહિલ સાહેબને આ શ્રેય જાય છે.જોડણી કે વાક્ય રચનામાં ભૂલ હોય તો દસવાર પ્રેસમેટર ફાડીને ફરીવાર લખે.
પ્રેસમેટર લખવા ક્યારેય શાળાનો કાગળ ના વાપરે.પીળા કાગળ પસ્તીના કે પ્રેસમાંથી મળતાં હશે-(કદાચ!) એ કાગળ જ વાપરે.પ્રવાસમાં ગયા હોય તો પાઇ એ પાઈનો હિસાબ કરે.વિદ્યાર્થીઓને બે રૂપિયા પણ પાછા આપે.વિદ્યાર્થીઓને વાંકમાં આવે તો ધબધબાવી નાખે અને સાજા-માંદા હોય તો બાપ કરતા પણ સારી રીતે સાચવે.તેમની ઉપસ્થિતિ માત્રથી શાળાની શિક્ષિકા બહેનો અને વિદ્યાર્થીનીઓ- દીકરીઓ સલામત..38 વર્ષની ઉંમરથી હું જોઉં છું કે ક્યારેય તેમનામાં યૌવન સહજ ઉછાછળાપણું જોયું નથી એટલે જ વિચાર આવ્યો કે મેરુ કે મન કયારેય શું કામ ડગે? એવી ‘ચેલેન્જ’ જેમણે પોતે જ સ્વીકારી છે એવા સાહેબ જેવી મનોવૃત્તિ તેમની તો ટકી રહી છે અને અમારી ટકી રહે તે માટે અમને પ્રેરણા મળ્યા કરે તેવું ઇચ્છતા સહ કાર્યકરો.
હા,આજે પણ પગ વાળીને બેસવાને બદલે જેઓ પેંશનરોને માટે પ્રશ્ન ઉકેલવા અને લડવા ઉત્સુક અને જેમનો મેરુદંડ કોઈ ચલિત ના કરી શકે..તેવા M.M.G.

ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ

આજે મહિલાકોલેજ સર્કલ,ભાવનગરમાં અર્હમ યુવા ગ્રુપ, રાજકોટ દ્વારા જીવદયા પ્રેમી યુવાનોએ મૂંગા જીવોને રહેવા માળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.આપણે જેમ રોટી,કપડાં અને મકાનનો પ્રશ્ન છે પણ આમને તો બચ્ચા જાતિ ટકાવવા જ રહેઠાણ જોઈતું હોય છે.તેમને માટે કાર્ય કરનાર આ ટીમને અભિનંદન..

ઉપયોગિતાવાદ

આજકાલ ‘યુઝ એન્ડ થ્રો’ નો જમાનો છે.માણસ રોજ કેટલી યે જાતિનું વ્યક્તિ નિકંદન કાઢી નાખે છે.આ વિચાર એટલા માટે આવ્યો કે હવે માણસને વફાદાર અને કાયમ સાથે રહેતા કૂતરા જેવા પ્રાણી પણ ગમતા નથી.એ ગંદકી કરે..ભસે..કયારેક કરડે પણ ખરા..
માણસને વફાદાર રહેવા કૂતરા કાસ્ટિજમ નથી કરતા.અંદરોઅંદર ઝઘડે છે..જ્યારે માણસ માલિકને બેવફા બની જ્ઞાતિવાદ પણ કરે.હવે લોકો કૂતરાનો નાશ કરવા ઉદ્યત થયા છે..પછી 26 ઓગસ્ટ dog day ઉજવશે..
હમણાં હમણાં ચકલી દિવસ ઉજવાય છે.પહેલા ખેતરમાં જીવાત પાકને નુકશાન કરશે..અનાજ ખાઈ જશે એ બીકે દવા છાંટવાનું શરૂ થયું..જીવાત ઈઅળ સાથે ચકલી,મોર,કાગડા ઓછા થયા નહીતર તો સર્પ,ઉંદર અને અન્ય જીવાતનો ઉપદ્રવ ઓછો રહેતો.
હવે મંકોડા, કીડી,ઉધઈ ના રહે એટલા માટે બદામ પણ લોકો નથી વાવતાં.આ જીવાતોના રાફડાને કારણે પાણી ઊંડું ઉતરતું અને જળ સંચય થતો.હવે આ પ્રજાતિના નાશ થવા લાગ્યો અને સર્વત્ર રોડ તેમજ બ્લોક નખાય જવાથી જળ સંચય નહીં થાય. ઉપરાંત વધુ વરસાદથી રોડ પરનું પાણી જમીન પર વધવાથી અને જમીન અંદર કોરી અને ગરમ હોવાથી ભુવા પડે અને ધરતીકંપ પણ થાય.
માણસ સ્વાર્થી હોવાથી ,ઉપયોગીતા વાદને કારણે પશુ પક્ષી તો ઠીક, માનવ જાત સ્વ-જાતિનો નાશ કરે તેમ છે..પછી પાછા જુદા જુદા દિવસની ઉજવણી કરશે.
પહેલાના જમાનામાં સંતાન ના થતા હોય તે કૂતરા પાળતા અને તેની પ્રજાતિ સાચવતા તેના પુણ્યથી પોતાને સંતાન થશે તેવી માન્યતા હતી.એ ભવિષ્યમાં સ્વાર્થ માટે અને પોતાના રક્ષણ માટે કૂતરાને પાળશે.કૂતરા કે બિલાડીને પાળવાથી હૃદય રોગ કે કેન્સર થતા નથી કેમકે તે પાલતુ પ્રાણીને જોવાથી તણાવ ઘટે છે.આ બાબતથી માનવ અજાણ છે જયારે કહેવાતા શિક્ષિતોને આ ખબર પડશે ત્યારે જ આ ચોખલી માનવજાતને પશુ પક્ષી પ્રત્યે એકદમ પ્રેમ જન્મશે પણ ત્યારે મોડું ના થઇ જાય એ ડર છે..
જાગો માનવ જાગો…

અભ્યાસ જાગ્યા પછી…

અભિ +આસ કોઈ પ્રક્રિયા વારંવાર કરવી,સમજી વિચારીને કરવી એ અભ્યાસ.ગોખણપટ્ટી એ સમજ્યા વગરનું, આચરણ વગરનું રટણ છે જ્યારે સમજણ સાથેની પ્રક્રિયા એટલે અભ્યાસ.
પોપટ રામ,રામ બોલે પણ રામ કોણ હતા? એ તેને ખબર હોતી નથી.પરંતુ રામ કોણ છે?તે રામાયણ સાંભળ્યા પછી રામ,રામ બોલવું તે અભ્યાસ છે.
ગંગાસતી આ ભજનમાં આવા અભ્યાસની વાત કરે છે જેને આત્માને ઓળખવો છે એ અભ્યાસ જાગ્યો હોય તેવી વ્યક્તિના લક્ષણો આ ભજનમાં છે.
સદગુરુના આશીર્વાદ, કોઈક શુભેચ્છા,કોઈક પુણ્ય જાગે તો આ પરમતત્વ કે આત્માને જાણવાની ઈચ્છા પ્રગટે.આવી વ્યક્તિને સમૂહ ગમતો નથી.મેળાવડા ગમતા નથી.એકાંત ગમે છે.એકાંત આંનદ આપનારું હોય.એકલાપણુ દુઃખ આપે છે. ભેદવાદી આત્મા -પરમાત્મા જુદા છે.જાતિ-જ્ઞાતિ, કોમ,વર્ણ વગેરે વાડામાં માને તે ભેદવાદી..વસુધૈવ કુટુંબકમ્ એને ના સમજાય.આવા ભેદવાદીથી દૂર રહેવું,જયાંત્યાં કથાવાર્તા કે તીર્થયાત્રા પણ પછી જરૂરી ના લાગે કારણકે બધે -સર્વ જીવોમાં હરિ દેખાવા લાગે.હરિ ભાળવા ભરપૂર..
મંડપ અને મેળો કરી પોતે કેન્દ્ર સ્થાને હોય તેવી મહત્વાકાંક્ષા આવા અભ્યાસુ સાધકને ના હોય કૌપીન પંચક સ્તોત્રમાં શંકરાચાર્ય કહે છે જન સમૂહ જેને સર્પ લાગે તે સાધક.મેળા અને મંડપ કરનારા અનેક ઈચ્છાથી ભરપૂર હોય તેને ગંગાબા અધૂરિયાના કામ કહે છે.
પોતે સદગુરુ છે એમ માનીને કોઈ કામ પણ ના કરવા,નહીં તો મોહ પાછો વધી જશે.દરેક જીવમાં પરમાત્મા -હરિને જોવા કીડી હોય કે કુંજર-હાથી.આવી સમાનતા પ્રગટે એ અભ્યાસ જાગ્યો કહેવાય.
પરંતુ આ અભ્યાસ શેનો?સર્વત્ર પરમતત્વ વિરાજમાન છે દરેક જીવમાં ચૈતન્ય એ ઈશ્વર છે.મારી અંદર આ શરીરમાં નિવાસ કરનાર એ સાક્ષી તત્વનો અભ્યાસ કરવો એ ગંગાબાનો સંદેશ છે.

જુગતી તમે જાણી લેજો પાનબાઈ..

ગંગાસતીના ભજનોનું પુસ્તક અમરવાણી વાંચતો હતો.આ પુસ્તકમાં સચ્ચિદાનંદજી એ ભજનોનું ભાષ્ય કર્યું તે વાંચીને આંનદનો અનુભવ થયો.સ્વામીજીએ 14મું ભજન ‘જુગતિ તમે જાણી લેજો’ એ ભજનમાં જુગતિ એટલે યુક્તિ એમ કહીને ખેલદિલી પૂર્વક કહ્યું છે કે તેઓ આ બાબતે બહુ જાણતા નથી.
એમ પણ કહ્યું કે બધા બધું જ જાણતા ના હોય આ વાત અને ખેલદિલી ગમી.ખાસ તો સ્વામીજી સમાજશાસ્ત્રી છે એટલે સ્વભાવિક રીતે આ અર્થ ખેંચીને કાઢવામાં મજા ના આવે અને ખીલી ના શકાય પણ કહ્યું કે કોઈ આનો અર્થ કરે તો સારું.
મારા મતે આ જુગતી-યુક્તિ-ટ્રિક એટલે કોઈપણ યોગની વિધિ જાણતા ના હોય,ષડશાસ્ત્રોનું જ્ઞાન ના હોવા છતાં પણ પરમ તત્વને પામવાની યુક્તિ એટલે દેહભાવથી આત્મા અલિપ્ત છે એમ સમજવું.આ ઓછા જ્ઞાની એવાં પાનબાઈ સહિત દરેક માટે શક્ય છે.તત્વજ્ઞાન એને ભેદ સ્વરૂપનું જ્ઞાન કહે છે.નરસિંહ મહેતા અને ગંગાસતી જેવા ભક્તો સુરતા કહે છે.આવી સુરતા એટલે દેહથી આત્મા ભિન્ન એવી સતત જાગૃતિ રાખવી.આ યુક્તિ આત્મજ્ઞાનમાં ઉપયોગી..ગંગાસતી કહે છે આ બાબતનો અભ્યાસ એટલે કે ટેવ પાડવી પડે.અને પછી અભ્યાસ જાગ્યા પછી સાતમું ભજન વાંચીએ આ યુક્તિ સમજાય જાય છે પછી મંડપ મેળો,તીર્થ યાત્રા,અષ્ટાંગ યોગના સોપાનોની જરૂર નથી.હરિને ભરપૂર ભાળવાની વાત ગંગાબા કરે છે.
આમ તો આ ભજનો ખૂબ સહેલી ભાષામાં છે.બધા ગ્રામ્ય જનથી માંડીને વિદ્વાનને પણ સમજાય છે.