ગુરૂ અને શિક્ષક

બધા ગુરુ શિક્ષક હોય છે પણ બધા શિક્ષક ગુરુ ન હોય શકે.શિક્ષકમાં માનવ સહજ નબળાઈઓ હોય જ.જ્યારે ગુરુ આ નબળાઈથી ઉપર હોવાનો પ્રયત્ન કરે છે કદાચ એટલે જ તેને બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ કહ્યો હશે.અરે! કબીર તો તેનાથી આગળ વાત કરે છે…
ગુરુ ગોવિંદ દોનો ખડે,કાકો લાગુ પાઇ,
બલિહારી ગુરુ આપકી,ગોવિંદ દિયો બતાઈ.
શિક્ષક ફક્ત શાબ્દિક શિક્ષણ આપે છે.વળતરની અપેક્ષા સાથે આપે છે.ભૌતિકવાદી હોય.વ્યસનોના ગુલામ પણ હોય.જ્ઞાનનો એકાદ વિષય કે મુદ્દો ભણાવે છે.પૈસા ન મળે તો ના ભણાવે.વર્ગમાં ભણાવતા બીજે પૈસા કે કામ મળે તો સોદો મોબાઈલ પર પતાવે એ શિક્ષક.
જ્યારે ગુરુ વર્તન દ્વારા શીખવે. પહેલાના સમયમાં આશ્રમ વ્યવસ્થા હતી આશ્રમમાં ગુરુ તેના કુટુંબ સાથે રહેતો હતો અને તે વિદ્યાર્થીઓને કુટુંબના સભ્યોની જેમ સાચવતો. વિદ્યાર્થીઓ ઉપર સારી છાપ પડે તે માટે વહેલા જાગતો અને પોતાના દૈનિક કાર્યો સ્નાન અને હાજત વગેરે પૂર્ણ કરતો.વિદ્યાર્થીઓની હાજરીમાં હંમેશા ઉત્કૃષ્ટ કક્ષાના કાર્યો કરતો.જેવા કે ભણવું, ભણાવવું,શારીરિક શ્રમ અને એવા પ્રેરણાદાયક કાર્યો તે કરતો અને કુટુંબ ભાવનાને કારણે વિદ્યાર્થીઓને ગુરુ પ્રત્યે આદર રહેતો શિસ્તની સમસ્યા ત્યારે નહોતી તેનું એક કારણ શ્રમ પણ હતું.
વચ્ચેનો સમય એવો આવ્યો કે જેમાં શિક્ષક એવો પ્રયત્ન કરતો કે પોતાના વ્યસનો કે કૌટુંબિક કામગીરી વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં તે ન કરતો.હવે એવું રહ્યું નથી વિદ્યાર્થી અને શિક્ષક સાથે જ માવો કે સેવન કરે. શિક્ષકને પણ સામાન્ય જરૂરિયાતો છે-તે સામાન્ય માનવી જ છે તેવી સમજણ હોવાથી વિદ્યાર્થી શિક્ષકને એક સામાન્ય માનવી જ સમજે છે.ગુરુની ગરિમા હવે જળવાતી નથી.કેટલાક શિક્ષકો આજે પણ સાદગી અને ધીર વંભીર હોય તો તેને માન મળે છે. આવા શિક્ષક શિક્ષકમાંથી ગુરુ બની શકે.ગરીમાપૂર્ણ પોષાક પણ મહત્વનો ભાગ ભજવે છે.આજે ફેશન પૂર્ણ પોશાકને કારણે શિસ્તની સમસ્યા અને શિક્ષકનું મહત્વ ઘટયું છે.વિદ્યાર્થી માટે શિક્ષક મિત્ર બને તે ઠીક પણ તે વડીલ મિત્ર હોવો જરૂરી.Friend, Fhilosopher and Guaide.
આવું બનવું અઘરું છે પણ અશક્ય નથી.

Advertisements

Matric-S.S.C.

મેટ્રિક-એસ.એસ.સી.
અમારું એસ.એસ.સી.-જે હવે ઓલ્ડ એસ.એસ.સી.કહેવાય છે.આજે અઠ્ઠાવાન વર્ષ કે તેથી વધારે વર્ષના છે અને 11 ધોરણમાં ભણ્યા હોય તેઓ બધા આ મેટ્રિક કર્યું હોય.આજના સંદર્ભમાં આ મેટ્રિક યાદ આવે.આ મેટ્રિકમાં કુલ 7 વિષયમાં પાસ થવાનું હતું.
વિષય પસન્દગીનો બહોળો અવકાશ હતો.મને યાદ છે ત્યાં સુધી 125 જેવા વિષયો હતા.જેમાં માતૃભાષા ગુજરાતી એક જ ફરજિયાત વિષય હતો.બાકીના કોઈ 6 વૈકલ્પિક વિષય રાખી શકાતા.સામાન્ય રીતે સાયન્સમાં જનાર વિદ્યાર્થીઓ હાયરમેથ-ઉચ્ચ ગણિતશાસ્ત્ર -જેમાં બીજગણિત અને ભૂમિતિ આવે. આર્ટ્સ કોમર્સમાં જનાર વિદ્યાર્થીઓ એલિમેન્ટ્રી-પ્રાથમિક ગણિતશાસ્ત્ર રાખતા.આ ઉપરાંત સ્પેશિયલ એરેથમેટિક -અંક ગણિત પણ રાખી શકાતું.
આમ છતાં ગણિત રાખવું જ પડે તેવું નહીં કોઈ પણ 6 વિષય રાખી શકાતા.હું ખુદ જ ગણિત વગર મેટ્રિક પાસ છું.મેં ચાર ભાષા (ગુજરાતી,હિન્દી,સંસ્કૃત,અંગ્રેજી )રાખેલ.બે વિજ્ઞાન (જનરલ સાયન્સ-સામાન્ય વિજ્ઞાન અને ફિજીયોલોજી-હાઇજિંન એટલે કે શરીરવિજ્ઞાન અને આરોગ્યશાસ્ત્ર) આ ઉપરાંત સમાજશાસ્ત્ર (ઇતિહાસ,ભૂગોળ,નાગરિક) અને સ્પેશિયલ ભૂગોળ-વિશ્વભૂગોળ …આમ આઠ વિષય રાખેલ.પાસ તો સાતમા જ થવાનું. ત્યારે અંગ્રેજીમાં નાપાસ થવાય તો બાકીના સાત વિષયમાં પાસ તો પાસ તો થઈ જવાય.
એ વખતે બીજી સારી બાબત એ હતી કે 50 ટકા ઉપર માર્ક હોય તો સાયન્સ કે કોમર્સ અથવા આયુર્વેદિક કોલેજમાં એડમિશન મળી જતું.એટલું ખરું કે આયુર્વેદમાં જવા માટે સંસ્કૃત ફરજિયાત હતું.
આમ,આજના વિદ્યાર્થીઓના સંદર્ભમાં વિષય પસન્દગીનો બહોળો અવકાશ હતો.હા,એવું પણ હતું કે કોઈ એક વિષયમાં 34 માર્ક આવ્યા હોય તો નાપાસ ગણાતા.કૃપાગુણ ના મળતાં.પરિણામની ટકાવારી પણ મર્યાદિત હતી.ચોરી લગભગ કોઈ ના કરે અને એવો આક્ષેપ થાય તો મરવા જેવું થતું.

શિક્ષણમાં વૈવિધ્ય

સામાન્ય રીતે વર્ગશિક્ષણ દરમિયાન જોવા મળે છે કે દરેક વિદ્યાર્થીઓને દરેક વિષયમાં સરખો રસ પડતો નથી.રસરૂચિમાં હંમેશા વૈવિધ્ય જોવા મળે છે.પ્રકૃતિમાં વૈવિધ્ય જળવાઇ રહે તેવું કુદરતી આયોજન છે.આપણે બધા માણસ છીએ.આપણું શરીરનું બંધારણ કે બીબું માણસનું હોવાથી આપણે માણસ કહેવાઈએ .
પરંતુ સાવ આપણે બધા એકવિધ નથી.શિવમહિમન સ્તોત્રમાં કહ્યું છે કે “રુચીનામ વૈવિદ્યાત ઋજુ કુટિલ નાનાં પથજુષામ”વિવિધ ધર્મો અસ્તિત્વમાં આવ્યા છે.
શિક્ષણમાં પણ દરેક વ્યક્તિને કોઈ એક વિષયમાં રસ પડે નહીં.સમાજને ડોક્ટર કે એન્જીનીયરની જ જરૂર નથી.ખેડૂત,શિક્ષક,કેશિયર મેનેજર,મિકેનિક,પેઈન્ટર,પલમ્બર,કડિયો,ડ્રાઇવર,પૂજારી વગેરે વિવિધ કૌશલ્ય ધરાવનાર વ્યક્તિની સમાજને જરૂર છે.
આવી વિવિધ વ્યક્તિઓ સમાજને પૂરાં પાડવાની જવાબદારી શિક્ષણની છે.આ માટે દરેક વિદ્યાર્થીને રસરૂચિ અનુસાર વિષયો ભણવાની તક મળવી જોઈએ.
વર્ગમાં સામાન્ય રીતે 25 થી 30 ટકા વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાનમાં રસ ધરાવતા હોય છે.બાકીના 75 થી 80 ટકા વિદ્યાર્થીઓ વારસાગત વ્યવસાય કે કૌશલ્ય અને કળામાં કે વેપારમાં રસ ધરાવતા હોય છે.જેને ભૌતિકવિજ્ઞાન,રસાયણવિજ્ઞાન કે બીજગણિત -ભૂમિતિમાં રસ હોતો નથી.આવો વિદ્યાર્થી વર્ગમાં શિક્ષણ અપાતું હોઈ ત્યારે અન્ય પ્રવૃત્તિમાં રહે અથવા તે શિક્ષણથી ભાગે છે.આ માટે તેને કળા કારીગીરી અથવા શારીરિક કેળવણીમાં પ્રવૃત કરવો રહ્યો.આવા મોટાભાગના વિદ્યાર્થીઓ વિશે વિચારવાનો સમય આવી ગયો હોય તેમ નથી લાગતું???
બધા વાલી ડોક્ટર એન્જીનીયર બનાવવા તરફ દોટ મૂકે અને વિદ્યાર્થીઓ નિષ્ફળ જાય,હતાશ થાય એના કરતા ફક્ત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર,રસાયણશાસ્ત્ર જેવા વિષય હોય તે સ્વભાવિક છે પરંતુ બધા સામાન્ય કક્ષાના વિદ્યાર્થીઓ પાસે અઘરાં અમૂર્ત વિષયને બદલે રુચિ અનુસાર વિષય આપવા જોઈએ.

કર્મવાદ

મને લાગે છે કે મહાભારતકાળમાં જ્યોતિષશાસ્ત્ર અને ભાગ્યવાદ બંને જોવા મળતા નથી. કર્મ અને પ્રવૃત્તિ વાદ જોવા મળે છે. કોઈપણ જગ્યાએ જ્યોતિષીનો ઉલ્લેખ જોવા મળતો નથી.
અલબત્ત સહદેવ ત્રિકાળ જ્ઞાની છે.કૃષ્ણ જન્મશે તેવી આકાશવાણીની વાત છે.કૃષ્ણના જન્મ વિશે સાધુ આગાહી કરે છે,પણ જ્યોતિષશાસ્ત્રનો ઉલ્લેખ નથી.સહદેવને પણ કૃષ્ણએ મનાઈ કરી છે કે ક્યારેય કોઈ ન પૂછે તો જ્યોતિષશાસ્ત્ર અંગેની વાત કરવી નહિ. જ્ઞાન પ્રદર્શન કરવું નહીં.
આ દર્શાવે છે કે ત્યારે કર્મવાદ અને પ્રવૃત્તિવાદ પર માનવને શ્રદ્ધા હતી.મહાભારતમાં અદ્યતન અસ્ત્ર-શસ્ત્રો અગ્નયાસ્ત્ર,જલાસ્ત્ર, ઉપરાંત ટેસ્ટ ટયુબ બેબી જેવી કે દ્રોણાચાર્ય, ૧૦૦ કૌરવો અને પાંડવો ની ઉત્પત્તિ આ પ્રક્રિયાથી થઈ છે, તેવું જોવા મળે છે.
સુદર્શન ચક્ર તો અદભુત અસ્ત્ર, તેમના વ્યક્તિનો શિરચ્છેદ કરીને અસ્ત્ર મોકલનાર પાસે અસ્ત્ર પાછું આવે છે. આ અદભુત અસ્ત્ર છે. અહીં ભાગ્યવાદ ને કોઈ અવકાશ નથી. બુદ્ધકાળમાં નિવૃત્તિવાદ જોવા મળે છે. જ્યોતિષ અને ભાગ્યવાદ તે સમયમાં જોવા મળે છે. મહાભારતના યુદ્ધ વિશે કોઈ જ્યોતિષી એ આગાહી કરી હોય તેવું જોવા મળતું નથી. આનો અર્થ એટલો જ કે મહાભારત એટલે કર્મવાદ અને પુરુષાર્થ.

શિક્ષક સંમેલન

તારીખ 11.12.2018 

ચાલો,આદર્શ બનીએ…

 અક્ષરવાડી ભાવનગરમાં આજે  શિક્ષક સંમેલનના યોજાયું. આ સંમેલનમાં આત્મતૃપ્તાનંદ  શિક્ષકોને આ સંમેલનમાં વિદ્યાર્થીઓમાં આદર્શ ભાવનાઓ પ્રગટે.તે માટે કઠિયારા ના ઉદાહરણ દ્વારા કહ્યુ કે,”આજનો સમય વ્યર્થ નહીં જાય” કઠિયારાએ લાકડાં કાપવા હોય તો કુહાડીની ધાર બનાવવા સમય ફાળવવો પડે આપણે પણ સાધનોથી સુસજ્જ થઈને કેવા વિદ્યાર્થીની નિર્માણ કરવું છે તે નક્કી કરવા માટે આજે આપણે મળ્યા છીએ.

બધી જ સુવિધાઓ હશે પણ હૃદયની કેળવણી નહીં હોય તો એવું શિક્ષણ શુ કામનું? પ્રાથમિક શિક્ષણ અને શિક્ષકો બધાને યાદ હોય જ.જે શિક્ષક મદદરૂપ થયા હોય,લાગણી આપી હોય તે ક્યારેય ભુલાતા નથી.આવું ઉદાહરણ DEO પ્રજાપતિ સાહેબે આપ્યું હતું.DPEO ચૌધરી સાહેબે પ્રેરક પ્રસંગો કહ્યા હતા.બોટાદમાં પ્રોજેકટમાં મળેલ સફળતા વર્ણવી હતી.

પાંચ તાલુકામાં ચાલો આદર્શ બનીએ પ્રોજેકટ શરૂ કરવાનું અને આવતા સપ્તાહે આ અંગે મિટિંગ યોજાશે તેમ જણાવ્યું હતું.

ભાજપ  રાજ્યના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી આ સંમલેનમાં ઉપસ્થિત રહી ઉદબોધન કર્યું હતું.ડોક્ટર સ્વામી એ આશીર્વચન પાઠવ્યા હતા.સોમેશ્વર સ્વામીએ હળવી શૈલીમાં આભાર વિધિ કરી હતી.

Meghdoot-Introduction

મેઘદૂત – રસદર્શન
મહાકવિ કાલિદાસનું આ પ્રસિદ્ધ કાવ્ય.100 શ્લોકોમાં કવિ પોતાનું સંપૂર્ણ કવિત્વ પ્રગટ કરે છે.
કાવ્યની શરૂઆત મંદાક્રાન્તા છંદમાં થઈ છે બધા શ્લોકો આ છંદમાં જ છે.કાવ્યનો નાયક પણ અહી આક્રંદ કરે છે.પ્રથમ શ્લોકમાં જ …
कश्चित् कान्ता विरह गुरुणां स्वधिकारात प्रमत्त…
કોઈ યક્ષ પત્નીના લાંબા વિરહથી પીડીત છે એનું કારણ છે પોતાની ફરજમાં ભૂલ કરી છે.આનું કારણ પ્રમાદ અને પ્રમત્ત બન્યો તે છે.
આ યક્ષ -અર્ધ દેવતાઈ- જાતિ છે.હિમાલયમાં આવેલ અલકા નગરીમાં તે રહે છે આ નગરીનો રાજા યક્ષ છે.યક્ષ એ શિવને પૂજે છે.યક્ષોનો રાજા કુબેર છે-આજે પણ ધન પ્રાપ્તિ માટે કૂબેરની પૂજા કરવામાં આવે છે.
આ કૂબેર દરરોજ શિવની પૂજા કમળો દ્વારા કરે છે. આ પૂજા માટે કમળો લાવવાનું કામ આપણો કાવ્ય નાયક યક્ષ કરે છે.
યક્ષના નવા નવા લગ્ન થયેલ છે તેની પત્ની કહે છે કે “સવારમાં વહેલા ઉઠીને કમળ લેવા જાઓ એ કરતા રાત્રે જ કમળ તોડી લાવો તો “પત્નીની આ લાગણીભર્યા વચનો આપણો કાવ્ય નાયક ટાળી શકતો નથી.
સાંજે જ કમળ તોડીને પૂજાની થાળી તૈયાર કરીને યક્ષ તૈયાર રાખે છે.સવારમાં એ સ્વામી યક્ષરાજ કૂબેરને પૂજાની કમળ થાળી આપી દે છે. આ થાળીમાં એક કમળમાં ભમરો પૂરાયેલો છે.ભમરો લાકડું કોરી નાખે પણ કમળ પ્રત્યે પ્રેમ અને સવારે મધ પ્રાપ્ત થાય તે લાલચ હોવાથી તે કમળને કોરી શકતો નથી.આ ભમરો કૂબેરને ડંખ દે છે.કૂબેર શિવનો સેવક અને મિત્ર છે.તેને ધ્યાન દ્વારા બધું સમજાય જાય છે……અને યક્ષ પર આવી પડે છે શાપ …”જેને કારણે હે યક્ષ તે આળસ કરી છે તે પત્નીનો તને વિયોગ થશે.એક વર્ષ સુધી તારે પત્ની થી દૂર રહેવું પડશે.
હવે દક્ષિણમાં રામગીરી પર્વત પર યક્ષ રહે છે જેમ તેમ કરીને આઠ મહિના તો યક્ષ પસાર કરે છે પણ આષાઢનો પહેલો દિવસ આવતા યક્ષ હરેરી જાય છે આ ચાર મહિના ચોમાસાના તેને પત્નીની યાદ સતાવે છે.
અને આપણા કાવ્યનો સરસ શ્લોક ….आषाढस्य प्रथम दिवसे मेघमाश्लिष्ट सानु….અહી કવિ અદ્ભુત શબ્દચિત્ર રજુ કરે છે અષાઢના પ્રથમ દિવસે પર્વતને અડીને રહેલું વાદળ જેવી રીતે મદમસ્ત આખલો માટીના ઢગલાને માથે ચડાવીને ઉભો હોય.આને માટે કવિએ वप्रक्रीडा શબ્દ પ્રયોજ્યો છે.
મેઘને સમગ્ર ભારતની ભૂગોળ વિષે કાલિદાસ મેઘને માર્ગદર્શન આપે છે.
હે મેઘ,ઉજ્જૈનીમાં મહાકાલની આરતીના દર્શન કરવાનું કહે છે.અલકાનગરી અને યક્ષની પત્નીના સૌન્દર્યનું વર્ણન અને શબ્દ ચિત્ર જૂઓ
तन्वी श्यामा शिखरी दशना
યક્ષ મેઘને કહે છે કે તેની પત્ની ઘરના ફળિયામાં ઝૂલા પર બેસીને સંગીતના સૂર રેલાવતી હશે દુબળી તો એવી થઈ ગઈ હશે કે હાથમાંથી કડું સરી જતું હશે.ઘરના ટોડલે મોર બેઠો હશે.નગરીની સુંદરતા પરથી જ તે અલકાનગરી હશે એવું મેઘ તને લાગશે.
મેઘ સાથે વાતચીત કરતો યક્ષ લાગણીશીલ લાગે છે.
સાહિત્યના માણસે આ કાવ્ય અવશ્ય વાંચવું રહ્યું.

Syllabus-Highersecondary

ઉચ્ચતર માધ્યમિક વિભાગ
વર્તમાન સમયમાં વિષય માળખું મુજબ કુલ સાત વિષય પસંદ કરવાના હોય છે.
જૂથ : 1 ગુજરાતી-ફરજિયાત
જૂથ : 2 અંગ્રેજી – ફરજિયાત
જૂથ – ૩ નીચેનામાંથી કોઈપણ બે –
1 હિન્દી,
2 મનોવિજ્ઞાન,
3 સંસ્કૃત,
4 વાણીજ્ય વ્યવસ્થા
5 નામાના મૂળતત્વો
જૂથ – 4 નીચેનામાંથી કોઈપણ ત્રણ-
1 સમાજશાસ્ત્ર
2 તત્વજ્ઞાન
3 ઈતિહાસ/ભૂગોળ
4 અર્થશાસ્ત્ર
5 આંકડાશાસ્ત્ર
6 કોમ્પ્યુટર /ચિત્ર /સંગીત
7 રાજ્યશાસ્ત્ર
ઉપરોક્ત સાત વિષય ઉપરાંત શાળાકિય કક્ષાએ બે અન્ય વિષય પણ ભણવાના હોય છે.આ બે વિષયની
પરીક્ષા સ્થાનિક કક્ષાએ લઈને પ્રમાણપત્ર આપવાનું હોય છે.
1 ઉદ્યોગ -લઘુલિપિ,કેમિકલ સાબુ બનાવવા,સીવણ-ભરતગૂંથણ સ્થાનિકકક્ષા અનુસાર
2 શારીરિક શિક્ષણ
આમ કુલ નવ વિષય વિદ્યાર્થીઓએ ભણવાના હોય છે
અભ્યાસક્રમ
હાલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બે પ્રવાહ અસ્તિત્વ ધરાવે છે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ.
વિજ્ઞાન પ્રવાહ બાબતે વિષયોની પસંદગી અને ભારણ પરત્વે ખૂબ ચિંતન થયું છે પરંતુ સામાન્ય પ્રવાહ પસંદ કરનાર એવા 70 ટકા વિદ્યાર્થીઓ વિષે જોઈએ તેવી ગંભીરતાથી ચિંતન થયું નથી.એમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓનું વિષય પસંદગી અને તેના ભારણ અંગે.
વિજ્ઞાન પ્રવાહમાં પાંચ વિષયો જ ભણવાના હોય છે જયારે સામાન્ય પ્રવાહમાં સાત વિષયો ભણવાના હોય છે આમ બે વિષયો વિદ્યાર્થીઓને વધારે ભણવા પડે છે.
બીજી બાબત એ છે કે તેમને રસ રુચિ પ્રમાણે ભણવાના વિષય મળતા નથી.આનું કારણ એ છે કે તે વિષયના શિક્ષકો શાળામાં ના હોય.એ તો સમજ્યા પણ 2005 થી એવી પરિસ્થિતિ થઈ છે કે સંસ્કૃત, મનોવિજ્ઞાન અને હિન્દી.આ ત્રણ વિષયમાંથી કોઈ બે વિષય જ ભણવાના.
હવે આ ત્રણે વિષયોમાં વિદ્યાર્થીઓને રસ હોય શકે અને શાળામાં આ ત્રણે વિષયના શિક્ષકો પણ ઉપલબ્ધ હોય ત્યારે સમસ્યા થી શકે છે.અથવા આમાંથી કોઈ શિક્ષક ઉપલબ્ધ ના હોય તો પણ સમસ્યા થાય.
ખરેખર તો વિષય માળખું સરળ અને રસરુચિ પ્રમાણે વિદ્યાથીઓ ભણી શકે અને ભારણ વિના ભણી શકે તેવું હોવું જોઈએ.
આવું સંભવિત માળખું વિદ્યાર્થીઓના વિકાસમાં મદદરૂપ થઈ શકે.
ફરજિયાત વિષયો
1 ગુજરાતી
2 અંગ્રેજી
અન્ય કોઈપણ ચાર મરજિયાત વિષયો
1 સંસ્કૃત
2 હિન્દી
3 મનોવિજ્ઞાન
4 તત્વજ્ઞાન
5 સમાજશાસ્ત્ર
6 ભૂગોળ
7શારીરિક શિક્ષણ અને યોગ
8 ઈતિહાસ
9 ભારતીય સંસ્કૃતિ
10અર્થશાસ્ત્ર
11વાણિજ્ય સંચાલન
12વાણિજ્ય પત્રવ્યવહાર
13વાણિજ્ય ગણિત
14 આંકડાશાત્ર
15ચિત્ર
16 સંગીત
17 કોમ્પ્યુટર
18 નૃત્ય
19 ઉદ્યોગ જેવાકે લઘુલિપિ,સાબુ બનાવવો, સીવણ-ભરત,મોબાઈલ,રીપેરીંગ, હીરા પરખ અને પહેલ પાડવા,ખેતી અને પશુપાલન આમાં સ્થાનિક સંદર્ભે વિવિધતા હોય શકે.
શાળામાં ઉપલબ્ધ વિષય શિક્ષકોના સંદર્ભે વિષય પસંદગી આપી શકાય.
કયા વિષયમાં કેટલી સંખ્યા તેને મહત્વ ના આપવું જોઈએ કેટલીકવાર ગૂઢ વિષયોમાં સંખ્યા મર્યાદિત -ઓછી પણ હોય અને રસપ્રદ સરળ વિષયોમાં સંખ્યા વધારે પણ હોય -આમાં સંખ્યા નહિ પણ વિદ્યાર્થીના રસરુચિને પ્રાધાન્ય આપવું જોઈએ.
મને લાગે છે કે આવું માળખું વિદ્યાર્થીના વિકાસમાં ઉપયુક્ત રહેશે.આમ છતાં આ બાબતે શૈક્ષણિક અધિવેશન રાગ -દ્વેષ  વગરની મુક્ત ચર્ચા અને પરિસંવાદ યોજાવા જરૂરી છે.કોઈ એક વ્યક્તિ કરતા બધાએ સંવાદ સાધીને શિક્ષણ અને વિદ્યાર્થીના હિતમાં વિચારવાની આવશ્યકતા ઉભી થઈ છે તેમ નથી લાગતું???