Mahabharat-Rupak

મહાભારત -રૂપક
ડગલે પગલે કુરુક્ષેત્ર છે, અર્જુન હું ય થનાર
રસ્તો બતાવનાર ક્યાં છે ગીતાનો ગાનાર.
હું બધાના હૃદયમાં સ્થિત આત્મા છું.
આમ કહેનાર કૃષ્ણ જ કહે છે કે આ વાતને ઊંડાણથી સમજો.
કૃષ્ણ -જ્ઞાન તરફની ગતિ ધરાવતો આત્મા
મહાભારત -દરેક્નું જીવન
ગોપીઓ-ઇન્દ્રિયો
૧૬૦૦૦ પત્ની -શરીરમાં રહેલ નાડીઓ
રાધા -રતિ -શુદ્ધ પ્રેમભાવ
યુધીષ્ઠીર -જીવનમાં સ્થિર રહેવાની શક્તિ
અર્જુન -મન
ભીમ-શારીરિક બળ
સહદેવ-ભવિષ્યની ચિંતા અને આયોજન
નકુલ -રૂપ-દેખાવ પ્રત્યે સભાનતા
દ્રૌપદી -બુદ્ધિ મતિ લાભાલાભનો વિચાર કરનાર
કર્ણ -ઉદાર પરંતુ બીજાના સદભાવને યાદ રાખનાર
દુર્યોધન-અહંકાર ભરેલ આપણી જ યુદ્ધની મનોવૃત્તિ
દુશાસન -આત્મા પર ખોટી સત્તા
ધૃતરાષ્ટ્ર -બીજાનું પડાવી લેવાની વૃત્તિ
પાંડુ -અનિયંત્રિત કામવૃત્તિ અને ભલમનસાઈ
કુંતા -સાક્ષીભાવથી સત્યને અનુસરતી બુદ્ધિ
માદ્રી -પ્રેમ સદાચાર માટે ખપી જવાની ભાવના
ગાંધારી -ખોટું થાય ત્યારે આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ
ભીષ્મ -ફક્ત સત્તાને આધીન -પિતૃભક્તિ
દ્રોણ-અદમ્ય વેરવૃત્તિ માટે શિષ્યોનો સાધન તરીકે ઉપયોગ
સાંદિપની -શિષ્યોને ભાવ-પ્રેમ અને કુટુંબભાવ પૂરું પાડનાર
કૃપાચાર્ય -સત્તાને આધીન શિક્ષક -બનેવીને નોકરી અપાવનાર
દ્ર્પદ-વેરભાવ માટે ગમે તે કરનાર
ધૃષ્ટદુમ્ન -પિતાનું વેર લેવાની વૃત્તિ
આ બધા જ પાત્રો આપણી મનની જ વૃત્તિ છે આપણે કોઈ આનાથી પર નથી.ફક્ત કૃષ્ણ બનીને જ્ઞાન રૂપી તલવારથી જીવન રૂપી બંધન કાપવાના છે.

Meghdoot-Introduction

મેઘદૂત – રસદર્શન
મહાકવિ કાલિદાસનું આ પ્રસિદ્ધ કાવ્ય.100 શ્લોકોમાં કવિ પોતાનું સંપૂર્ણ કવિત્વ પ્રગટ કરે છે.
કાવ્યની શરૂઆત મંદાક્રાન્તા છંદમાં થઈ છે બધા શ્લોકો આ છંદમાં જ છે.કાવ્યનો નાયક પણ અહી આક્રંદ કરે છે.પ્રથમ શ્લોકમાં જ …
कश्चित् कान्ता विरह गुरुणां स्वधिकारात प्रमत्त…
કોઈ યક્ષ પત્નીના લાંબા વિરહથી પીડીત છે એનું કારણ છે પોતાની ફરજમાં ભૂલ કરી છે.આનું કારણ પ્રમાદ અને પ્રમત્ત બન્યો તે છે.
આ યક્ષ -અર્ધ દેવતાઈ- જાતિ છે.હિમાલયમાં આવેલ અલકા નગરીમાં તે રહે છે આ નગરીનો રાજા યક્ષ છે.યક્ષ એ શિવને પૂજે છે.યક્ષોનો રાજા કુબેર છે-આજે પણ ધન પ્રાપ્તિ માટે કૂબેરની પૂજા કરવામાં આવે છે.
આ કૂબેર દરરોજ શિવની પૂજા કમળો દ્વારા કરે છે. આ પૂજા માટે કમળો લાવવાનું કામ આપણો કાવ્ય નાયક યક્ષ કરે છે.
યક્ષના નવા નવા લગ્ન થયેલ છે તેની પત્ની કહે છે કે “સવારમાં વહેલા ઉઠીને કમળ લેવા જાઓ એ કરતા રાત્રે જ કમળ તોડી લાવો તો “પત્નીની આ લાગણીભર્યા વચનો આપણો કાવ્ય નાયક ટાળી શકતો નથી.
સાંજે જ કમળ તોડીને પૂજાની થાળી તૈયાર કરીને યક્ષ તૈયાર રાખે છે.સવારમાં એ સ્વામી યક્ષરાજ કૂબેરને પૂજાની કમળ થાળી આપી દે છે. આ થાળીમાં એક કમળમાં ભમરો પૂરાયેલો છે.ભમરો લાકડું કોરી નાખે પણ કમળ પ્રત્યે પ્રેમ અને સવારે મધ પ્રાપ્ત થાય તે લાલચ હોવાથી તે કમળને કોરી શકતો નથી.આ ભમરો કૂબેરને ડંખ દે છે.કૂબેર શિવનો સેવક અને મિત્ર છે.તેને ધ્યાન દ્વારા બધું સમજાય જાય છે……અને યક્ષ પર આવી પડે છે શાપ …”જેને કારણે હે યક્ષ તે આળસ કરી છે તે પત્નીનો તને વિયોગ થશે.એક વર્ષ સુધી તારે પત્ની થી દૂર રહેવું પડશે.
હવે દક્ષિણમાં રામગીરી પર્વત પર યક્ષ રહે છે જેમ તેમ કરીને આઠ મહિના તો યક્ષ પસાર કરે છે પણ આષાઢનો પહેલો દિવસ આવતા યક્ષ હરેરી જાય છે આ ચાર મહિના ચોમાસાના તેને પત્નીની યાદ સતાવે છે.
અને આપણા કાવ્યનો સરસ શ્લોક ….आषाढस्य प्रथम दिवसे मेघमाश्लिष्ट सानु….અહી કવિ અદ્ભુત શબ્દચિત્ર રજુ કરે છે અષાઢના પ્રથમ દિવસે પર્વતને અડીને રહેલું વાદળ જેવી રીતે મદમસ્ત આખલો માટીના ઢગલાને માથે ચડાવીને ઉભો હોય.આને માટે કવિએ वप्रक्रीडा શબ્દ પ્રયોજ્યો છે.
મેઘને સમગ્ર ભારતની ભૂગોળ વિષે કાલિદાસ મેઘને માર્ગદર્શન આપે છે.
હે મેઘ,ઉજ્જૈનીમાં મહાકાલની આરતીના દર્શન કરવાનું કહે છે.અલકાનગરી અને યક્ષની પત્નીના સૌન્દર્યનું વર્ણન અને શબ્દ ચિત્ર જૂઓ
तन्वी श्यामा शिखरी दशना
યક્ષ મેઘને કહે છે કે તેની પત્ની ઘરના ફળિયામાં ઝૂલા પર બેસીને સંગીતના સૂર રેલાવતી હશે દુબળી તો એવી થઈ ગઈ હશે કે હાથમાંથી કડું સરી જતું હશે.ઘરના ટોડલે મોર બેઠો હશે.નગરીની સુંદરતા પરથી જ તે અલકાનગરી હશે એવું મેઘ તને લાગશે.
મેઘ સાથે વાતચીત કરતો યક્ષ લાગણીશીલ લાગે છે.
સાહિત્યના માણસે આ કાવ્ય અવશ્ય વાંચવું રહ્યું.

Yogmaya

Happy Birthday to Yogmaya.

કૃષ્ણનો જન્મ આઠમે શા માટે ? પ્રકૃતિ અષ્ટધા છે.
પંચ મહાભૂત (પૃથ્વી, પાણી, તેજ,વાયુ અને આકાશ) તેમજ  મન,બુદ્ધિ અને અહંકાર.

જયારે કૃષ્ણએ જન્મ લેવાનો હતો  ત્યારે કંસના શાસનમાં યોગમાયાના આશ્રયે જ આ અવતાર શક્ય હતો.કૃષ્ણ એ જન્મ લેવા માટે યોગમાયાની મદદ માગી હતી.યોગમાયાનો અંક આઠ છે માયાના આશ્રયે બંધન આવે છે.કૃષ્ણ પણ જન્મ ધારણ કરીને સંસારનું બંધન સ્વીકારે છે.
જેમ નવ નો આંક પૂર્ણતાનો કારક છે અને  ઈશ્વર પૂર્ણ છે પરંતુ સંસારમાં આવવા માટે તેને પણ  જન્મ માટે આઠમ પસંદ કરી છે જુઓ,
9*1=9
9*2=18  8 + 1= 9
9*3=27  7 + 2= 9
9*7=63  6 + 3= 9
આમ 9 પૂર્ણાંક છે જયારે યોગમાયા નો અંક આઠ છે જેના ગુણાકારથી થતો સરવાળો ઘટતો રહે છે.
8*1=8
8*2=16  1 + 6= 7
8*3=24  2 + 4= 6
8*4=32  3 + 2= 5
8*5=40  4 + 0= 4
8*7=56  5 + 6= 11  1+1 = 2
પરમાત્મા એ પણ  માનવ જન્મ લેવા માટે પ્રકૃતિ એટલે કે યોગમાયા નો આશ્રય લીધો હતો માયાના આશ્રયે પૂર્ણતા માં ઘટાડો થાય છે પરમાત્મા માંથી માનવ બનવા માટે 8 એટલે કે માયા નો આશ્રય લેવો જરૂરી હતો તેથી જ આઠમના દિવસે આ બંને પરમતત્વ એ જન્મ ધારણ કર્યો  બરાબર આઠમના દિવસે જ સમયે નંદજી ને ત્યાં ગોકુળમાં પુત્રી તરીકે યોગમાયા એ પણ જન્મ લીધો હતો.આ યોગમાયા એ જ દેવકીના સાતમાં ગર્ભને એટલે કે બલરામને રોહિણીના ગર્ભમાં tansplant કર્યો હતો.
नन्द गोप गृहे जाता यशोदा गर्भ संभवा |
तत: तौ नाश्यिश्यामी विन्ध्याचल निवाशिनी ||
ચંડીપાઠ -દુર્ગા સપ્તશતીમાં દેવી એ કહ્યું છે કે, “હું નંદ ગોપ ના ઘરે યશોદાના ઘરે જન્મ લઈશ પછી તે બે શુંભ અને નિશુમ્ભ નો નાશ કરીશ.એટલું ખરું કે આઠમે મેઘલી રાતે જન્મનાર આ યોગમાયા અને કૃષ્ણ એ રાક્ષસો નો નાશ કર્યો.ઈશ્વર અને પ્રકૃતિ બંને એ ન્યાય માટે જગતમાં પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું.

ખરેખર આઠનો અંક જાદુઈ બાબત સૂચવે છે કોમ્પ્યુટરની બધી જ ગણતરી જુઓ જેમાં આઠનો ગુણાંક છે ૮ ડીજીટ દ્વારા બધા અંક બની શકે છે.

Stuti

वयं त्वां स्मरामो वयं त्वां भजामो !
वयं त्वां जगत्साक्षिरूपं नमाम: !
सदेकं निधानं निरालम्बमिशम् !
भवाम्भोधिपोतं शरण्यं व्रजाम: !!
અમે તને યાદ કરીએ છીએ અમે તને ભજીએ છીએ જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ જેનું કોઈ આલંબન નથી તેના આલંબન રૂપ સત્યનું આશ્રય રૂપ,ભવ રૂપી સાગરમાં હોડી રૂપ એવા અમે તમારા શરણે છીએ.
भयानां भयं भीषणं भीषणानां !
गति प्राणिनां पावनं पावनानां !
महोच्चैपदानां नियन्तृत्वमेकं !
परेषां परं रक्षकं रक्षकानाम् !!
બધા ભય માટે ભય રૂપ,ભયંકરમાં ભયંકર,બધા પ્રાણીઓની ગતિ અને પવિત્રમાં પવિત્ર, બધા ઉચ્ચ પદોને પણ નિયંત્રિત કરનાર,બધાથી પર -અલગ અને બધાનું રક્ષણ કરનાર છે.
यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुवन्ति दीव्यै: सत्वै: !
वेदै:साङ्गपदक्रमोपनिषदै: गायन्ति यं सामगा: !
ध्यनावस्थित तद्गतेनमनसा पश्यन्ति यं योगिनो !
यस्यान्तं न विदु: सुरासुरगणा: देवाय तस्मै नम:!!
જે તત્વને બ્રહમા,વરુણ,ઇન્દ્ર,મરુત વગેરે દિવ્ય સ્તુતિથી સ્તવન કરે છે.વેદ અને વેદાંગો અને ઉપનિષદો અને સામવેદ ગાન કરે છે યોગીઓ ધ્યાનમાં સ્થિર ચિત્ત કરીને જેને જુએ છે.જેનો અંત દેવો અને અસુરો પણ જાણી શકતા નથી તે દેવને નમસ્કાર.

Yogo Bhavati dukhha

योगो भवति दुखहा !
યોગને દુઃખને હણનારો કહ્યો છે.
યોગ સંસ્કૃતના युज् १० गण -योजयति -જોડે છે.આવો અર્થ થાય.યોગ સાચા અર્થમાં પરમ તત્ત્વ સાથેનું જોડાણ કરાવે છે.આરોગ્ય સાથેનું જોડાણ તે તેનું ગૌણ કાર્ય છે.
युक्त आहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु !
युक्त स्वपनावबोधस्य योगो भवति दुखहा !!
યોગ્ય આહાર વિહાર કરનારા,કર્મમાં યોગ્ય ચેષ્ટા -વર્તન કરનારને યોગ્ય સમયે સુઈ જનારા અને યોગ્ય સમયે જાગનારાને યોગ દુઃખનાશક બને છે.
યોગ્ય આહાર એટલે દેશ અને કાળને અનુરૂપ -ભૂખ લાગે ત્યારે જ ખાનારા,યોગ્ય વર્તન કરનારા એટલે કાયિક,વાચિક અને માનસિક કર્મ કોઈને હાનિ ના થાય તેવી રીતે કાર્ય કરનાર,યોગ્ય સમયે સુઈ જનાર એટલે ખૂબ થાકીને શ્રમ કરીને ઉંઘવું અને ઉંઘ પૂરી થાય થાક ઉતારે ત્યારે જાગવું.
દિવસની સહજ ક્રિયાઓ દ્વારા સહજ યોગ થાય તે દુઃખને હણે છે.
વિવિધ પ્રાણીઓ સહજ રીતે આસન કરતા હોય છે અને યોગિક ક્રિયાઓ કરતા હોય છે તેના પરથી જ આસનોના નામ બન્યા છે કુક્કરાસન,મયુરાસન,ઉત્તાનમંડૂક આસન વગેરે સહજ આસનો છે.

Kramdosh Vs Grahdosh

ગ્રહદોષ કે સ્વદોષ?
માણસ જ્યારે વિકટ પરિસ્થિતિમાં મુકાય ત્યારે ગ્રહોને દોષ આપે છે, સૌ કહે કે વ્યક્તિ ખૂબ સારી છતાં એને આવી તકલીફ કેમ પડી ?

પરંતુ ખરેખર તો આપણે દરેક વ્યક્તિના વૈચારિક કે માનસિક કર્મને જાણતા નથી એટલે જ કહેવાયું છે કે માણસના ઢાંક્યા કર્મને કોઈ જાણતું નથી.માણસ તાર્કિક રીતે બીજાને ખોટી વાત સાચી બનાવીને સમજાવી દે -સત્યનો ઢોળ ચડાવી દે અને વાસ્તવિકતાને ઢાંકી દે પણ તેથી અસત્ય સત્ય બની જતું નથી.
વિવિધ પ્રકારના છળ -કપટ દ્વારા અસત્યને સત્યનું મહોરું પહેરાવી દેવાય છે.આવા વખતે વ્યક્તિ ખાનગીમાં હૃદય પર હાથ મુકીને જાતને પૂછે કે સત્ય શું?અને અંદરથી જે જવાબ મળે તે જ સત્ય.
ફક્ત બાહ્ય દેખાવનું સત્ય એટલે કે ડોળ.આવું સત્ય સારું લાગે પણ હમેશા સાચું હોતું નથી.આને કારણે આત્મવંચના થાય અને તેને કારણે ગૂઢ દર્દો થાય છે .જેમ  ગૂઢ સત્યને છુપાવ્યું હોય તેવા જ દર્દો વ્યક્તિને થાય કે પીડા ઉદ્ભવે છે.
1  જયારે ખોટું બોલનાર વ્યક્તિ વાતે વાતે ફરી જાય પોતાના સ્વાર્થ ખાતર સત્ય વ્યક્તિગત રીતે જાણતા હોવા છતાં દંભ કરવામાં આવે ત્યારે વડીલોનું અપમાન કરવાથી તેજોદ્વેષ કરવાથી હૃદય રોગ થાય છે. ખોટું બોલવાથી ધબકારા વધે છે અને હ્રદયને હાનિકારક રક્ત પરિભ્રમણ થાય છે.પિતા અને હોદ્દાને લગતા અને અસ્થિને લગતા પ્રશ્નો ઉભા થાય કેમકે સૂર્ય દૂષિત થાય છે.-ખીજાય છે.
2  પાણીની ચોરી કરવાથી કે બગાડ કરવાથી વેડફવાથી મનોરોગ,માતાને પીડા, મકાન અને વાહનના પ્રશ્નો ઉભા થાય છે એટલે કે ચન્દ્ર દુષિત થાય છે.-ખીજાય છે.
3  કોઈની જમીન ઓળવી લેવાથી કે દબાવવાથી અને ઇલેક્ટ્રિક ચોરી અગ્નિની ચોરી કરવાથી  બહેન અને ભાઈઓ દુખી થાય  છે.ક્યારેક વંશ પણ રહેતો નથી.લોહીને લગતા દર્દો થાય છે રક્ત વિકાર થય છે.-મંગળ કુપિત થાય છે.
4  કોઈનું લખાણ કે પુસ્તકો ચોરી લેવાથી વાણીના દોષો ઉત્પન્ન થાય છે.બુધ ત્વચાનો કારક છે.ત્વચા બગડે છે.બુધ કુપિત થાય છે.
5  દંભ કરવાથી પોતાને આવડતી વસ્તુ બીજાને ન શીખડાવવાથી ગુરુ કુપિત થાય છે અને કફને લગતા રોગો -ડાયાબીટીસ થાય છે .એક ને એક વસ્તુના બે વાર પૈસા લેવાથી ચરબી અને સ્થૂળતા આવે છે.
6  સ્ત્રીઓને દુઃખી કરવાથી શુક્ર કોપે છે અને જાતીય રોગો, યુરીનને લગતા રોગો થાય છે.જરા -વૃદ્ધત્વ રોગ થાય છે સૌન્દર્ય હણાય છે. આંખને લગતા રોગો થય છે. કાણત્વ આવે છે.
7  અન્યાય કે પક્ષપાત કરવાથી સંતાનો વચ્ચે કે પોતાનાથી નિમ્ન વર્ગના કર્મચારી સાથે ભેદભાવ કરવાથી પક્ષઘાત જેવા રોગો ઉદ્ભવે છે. શનિ મહારાજ કૂપિત થાય છે.
8  કપટ, છેતરપીંડી અન્ય ને સાચા હોવા છતાં ખોટા પાડવાથી સ્વાર્થ સિદ્ધ કરવા ટૂંકા રસ્તા અપનાવવાથી કેન્સર જેવા ગૂઢ રહસ્યમય રોગો થાય છે.છાનામાના કરેલા કર્મ -છાનામાના જ ભોગવવા પડે છે.-રાહુ કુપિત થાય છે શરીરમાં ગાંઠ કે ગ્રંથી થાય છે.
9  ખાનગીમાં કરેલા પાપ કર્મથી કેતુ કુપિત થાય અને વ્યક્તિ અજ્ઞાત રીતે ભય પામે છે.-કોમામાં સરી પડે છે બેભાન થાય છે.આત્મહત્યા, અકાળ મૃત્યુ,અકસ્માત જેવી આફતો આવે છે.

કોઈ રોગ થાય દુઃખ અને મુશ્કેલીમાં ત્યારે વ્યક્તિ એ સાચા હૃદયથી પસ્તાવો કરી ફરીવાર આવું કર્મ નહિ કરે તેવી પ્રાર્થના કરે અને અન્ય વ્યક્તિને જે નુકશાન કર્યું હોય તે ભરપાઈ કરે અને માફી માંગે તો ઈશ્વર અને ગ્રહો વ્યક્તિને માફ કરી દે છે કે દુઃખ અને પીડા હળવા કરે છે પણ હા માણસ સુધરે તો. સાજો સારો બનીને પાછો એવો જ લુચ્ચો બની જાય તો તેને કોણ બચાવી શકે?

Heartbeat Of Life


જીવનનો ધબકાર -રસદર્શન
આ એક એવું પુસ્તક જેમાં ધબકતું જીવન જોવા મળે.દરેક વ્યક્તિને પોતાની વાત અને જીવનના અનુભવો કહેવાનું મન થાય તેમાંથી જ સાહિત્યમાં આત્મકથાનું સ્વરૂપ વિકસ્યું છે ધૂમકેતુનું “જીવનપંથ અને જીવનરંગ” ચંદ્રવદન ચી.મહેતાની “બાંધ ગઠરિયા”ગાંધીજીના “સત્યના પ્રયોગો”આવા પુસ્તકો S.Y.B.A.માં ૧૯૭૬માં અભ્યાસકાળ દરમિયાન વાંચેલા.
વનાંચલ અને શૈશવના સંસ્મરણોના અંશ વાંચ્યા અને ૨૦ વરસ સુધી ભણાવ્યા પણ ખરા.એ તો ઠીક પણ ૧૯૭૩ ની સાલમાં નવમા ધોરણમાં “હેલન કેલર”આત્મકકથાનો અંશ  અંગ્રેજીમાં  ભણ્યો ત્યારે એમ થતું કે અંધ વ્યક્તિએ પુસ્તક કેવી રીતે લખ્યું હશે?આનો જવાબ મને આજે તેંતાલીસ વરસે શ્રી લાભુભાઈના પુસ્તક “જીવનના ધબકાર” દ્વારા મને મળ્યો.
આ પુસ્તક એટલું રસપદ છે કે એકી બેઠકે વાંચી નાખવાનું મન થાય.
આ પુસ્તકના પાને પાને “જીવનનો ધબકાર”સાંભળવા મળે છે. બાળપણની માંદગી અને દૃષ્ટિ ગુમાવી-ચર્મચક્ષુ ગુમાવ્યા એ બાબતનો લેખકને જરા પણ રંજ નથી ઉલટાનો દિવ્ય દરબાર -દૃષ્ટિ પ્રાપ્ત થયાનો આનંદ છે ઈશ્વરે ખાસ અનુભવ થાય અને આવા સંઘર્ષમાંથી પસાર થયા પછી જ એક ફરિશ્તો લોકોનું હિત કરવા ઈશ્વર યોગ્ય વ્યક્તિને પૃથ્વી પર યોગ્ય સમયે મોકલે છે એ લેખક બરાબર સમજે છે.માતા અજવાળીબાનો મૃત્યુ પ્રસંગ ભલભલાને રડાવી દે તેવો છે.પુત્રની ચિંતા આ મા ના મનમાં કેવી હશે તે વિચાર પણ કંપાવી દે તેવો છે.
માંદગીનું વર્ણન અને આ બાળક સાજો નહિ થાય તેની પીડાથી આંખ ગઈ તેમ જ હવે જીવશે પણ નહિ એવું સાંભળીને સાયકલ પર ઘરે લાવતા બાળકને લારીમાંથી કેળા ખરીદતા માતા-પિતાનું શબ્દ ચિત્ર કાળજું કંપાવી દે છે.કેળા દ્વારા જીવન દાન પ્રાપ્ત થયું કોઈપણ વસ્તુ ક્યારે ઔષધ બને તે કહેવાય નહિ.ચપટી ધૂળ પણ જીવન દાતા બની જાય તે લેખકે દર્શાવ્યું છે.
માતાના મૃત્યુ પછી ખરખરે આવેલ સ્ત્રીઓ માતા કરતા આ બાળકનું મૃત્યુ થયું હોત તો સારું થાત.સ્ત્રીઓની આ વાત એ સમયની વાસ્તવિકતાનું નિરૂપણ છે જગત હંમેશ ઉપયોગિતાવાદ ને અનુસરે છે. આ અંધ બાળક કેમ મોટું થશે ?પગભર કેમ થશે ?એ વાસ્તવિકતા સામે આક્રોશ એ લેખક કચરાની ટોપલો નાખ્યો આમાં સમાજની ગેરમાન્યતા સામેનો ગુસ્સો જોવા મળે છે.જેને જીવન કુદરત તરફથી મળ્યું છે એની મૃત્યુ વિશેની કામના કરતી સ્ત્રી પણ સહાનુભૂતિને પાત્ર હોવા છતાં લેખકને પણ થાય છે કે “મારું મૃત્યુની વાત તમે શા માટે કરો છો ? કોઈને મદદ કરવી કે નહિ અને ઈશ્વરના ન્યાય કે નિયમો વિષે સમીક્ષા કરનાર તમે કોણ?
163  માં પાને સૂક્ષ્મ દૃષ્ટિમાં વૈકુંઠધારી પ્રત્યેની કવિતામાં તત્વ જિજ્ઞાસાનું દર્શન જોવા મળે છે સૃષ્ટિ કેમ બની હશે ? એ દર્શનશાસ્ત્રનું તત્વચિંતન અહીં જોવા મળે છે.  169 માં પાને દંભીઓની દુનિયા પ્રકરણમાં વરવી વાસ્તવિકતાનું નિરૂપણ લેખકે કર્યું છે.ફેંકેલ પથ્થરમાંથી લેખકે તેમાંથી પગથીયું બનાવીને પ્રગતિના દ્વાર કેવીરીતે ખોલ્યા તે અહીં જોવા મળે છે.
37 માં પાને ગીજુ જોશી સાથેનો સંઘર્ષ પણ મુશ્કેલીમાંથી કેમ માર્ગ કાઢવો તેની લેખકને અનુભૂતિ થાય છે.ભવિષ્યમાં “કાનૂન ધકેલાયો હાંસિયામાં”આપેલ લેખકની લડતના બીજ “બીજનું વાવેતર”પ્રકરણમાં જોવા મળે છે.
દિવ્ય દરબારની અનુભૂતિ અને  અંધત્વમાં પણ કુદરતની કૃપાના દર્શન જોવા મળે છે. કાદવ વચ્ચે કમળ અને  કાંટા વચ્ચે ગુલાબ ઉગે તેમ એક ક્ષતિની સામે કુદરતે આપેલ વિશિષ્ટ શક્તિનો આવા બાળકોએ પડકાર તરીકે ઝીલીને સામનો કરવો એ લેખકનું દર્શન છે.કુદરતનું સર્જન કોઈ હેતુ વગર ના હોઈ શકે એવી ઈશ્વર પ્રત્યે શ્રધ્ધાની 165માં પાને વાંચતા 11 માં ધોરણમાં તત્વજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં રજૂ થયેલી હેતુવાદીઓની ઈશ્વરના અસ્તિત્વ અંગેની દલીલો યાદ આવી ગઈ.આ સૂક્ષ્મ દૃષ્ટિ એને જ તત્વજ્ઞાનમાં  “ચેતના”કહે છે અને નરસિહ મહેતા જેને ‘સુરતા” કહે છે.સંતો આવા જીવને જ જાગેલો “જીવ”કહે છે અને જાગૃત જીવ -જેને તત્વ દર્શન થયું હોય તે બીજા લોકોને પણ આવું દર્શન થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરે તેવી પ્રાર્થના અહીં લેખક પણ કરે છે.આવો જીવ પાપભીરુ હોય છે અહીંયા પણ લેખક “ઝગમગ”કાવ્યમાં પ્રપંચ અને કપટ લીલા થી દૂર રહેવાનું અને ઈશ્વરના ઠપકાથી બચવાનું કહે છે.
પ્રગતિ ઇચ્છનાર વ્યક્તિએ પ્રશંસકોથી હંમેશા બચતા રહેવાની વાત પણ સૂચવે છે કે લેખક આ બાબતે સતત જાગૃત છે કેમકે સૌથી લપસણી બાબત પ્રશંસા છે જે આધ્યાત્મિક વિકાસમાં અવરોધક છે.
આ પ્રકરણમાં આત્મ સાક્ષાત્કારની અનુભૂતિનું શાબ્દિક વર્ણન કરવાનો પ્રયત્ન છે -ઉપનીષદમાં પણ આવું જ જોવા મળે આત્મ દર્શન કરનાર વ્યક્તિ આ વર્ણન કર્યા વગર વધુ વખત રહી શકે નહિ.આત્મચિંતન અને મનમાં ચાલતું દર્શન કુદરતે પ્રગટ થવા જ જાણે સર્જ્યું છે તેમ આ પ્રકરણ વાંચીને લાગે.
અંતિમ પ્રકરણ “વસિયતનામું” પાનું  195 પર લેખકે પોતાનું જીવન દર્શન વ્યક્ત કરી દીધું છે.જન્મ કે મૃત્યુ સમયે થતી કર્મકાંડ વિધિઓ કરતા વ્યક્તિના અધૂરા કાર્યોને આગળ ધપાવવા એ જ   સૌથી મોટું શ્રાદ્ધ છે અને એ જ ધર્મ છે આ પ્રકરણમાં લેખક સંપૂર્ણપણે અધ્યાત્મવાદી દર્શન રજૂ  કરે છે.ભૌતિકવાદી વ્યક્તિ ધન સંપતિનો સ્થાવર જંગમ મિલકત આપે પણ એવી નાશવંત બાબત કરતા અક્ષર- જેનો નાશ નથી તેવા વારસો આપવાની ઈચ્છા લેખકે અહીં વ્યક્ત કરી છે.
સમગ્ર આત્મકથામાં મારી દૃષ્ટિએ આત્મ સાક્ષાત્કાર થયેલ વ્યક્તિના વિચારો અને જીવન દર્શન કેવું હોય તે દૃષ્ટિગોચર થાય છે.