Panchavayavi Anuman

પંચાવયવી અનુમાન
ભારતીય ન્યાયદર્શનમાં સત્યજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચાર પ્રમાણ-માર્ગ છે તેમાં બીજું પ્રમાણ એ અનુમાન.

પહેલું પ્રમાણ તો પ્રત્યક્ષ શ્રેષ્ઠ છે પણ તેના દ્વારા જ્ઞાન પ્રાપ્તિ શક્ય ના બને ત્યારે અનુમાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું પડે.આ ન્યાયદર્શનના રચયિતા ગૌતમમુનિ છે.તેમણે પાંચ અવયવોમાં અનુમાન રજૂ કર્યું છે…
1 પ્રતિજ્ઞા
2 હેતુ
3 ઉદાહરણ સહ વ્યાપ્તિ
4 ઉપનય
5 નિગમન
1 પ્રતિજ્ઞા :
આ સોપાનમાં જે વ્યક્તિ કૈંક સાબિત કરવા માંગે છે તે તેના વિચારોનું ક્ષેત્ર નક્કી કરે છે ક્ષેત્ર મર્યાદિત થતા વક્તા કહે છે હું સત્ય સાબિત કરવાની પ્રતિજ્ઞા લઉં છું. જેમકે …
તે પર્વત પર અગ્નિ છે.
આમ વક્તા પર્વત પર અગ્નિ છે તે સાબિત કરવાની પ્રતિજ્ઞા લે છે આ અનુમાન વક્તા શ્રોતા વચ્ચેની પ્રક્રિયા છે.
2 હેતુ :
અહી વક્તા આધાર રજૂ કરે છે આમ તો હેતુના પ્રત્યક્ષ જ્ઞાનથી જ અનુમાન પ્રક્રિયાનો પ્રારંભ થાય છે.જેમ કે …
તે પર્વત પર ધૂમાડો છે.
અહીં “ધૂમાડો”એ આધાર છે
3 ઉદાહરણ સહ વ્યાપ્તિ :
આ સોપાનમાં જે સાબિત કરવું છે તે અને આધાર વચ્ચે કાયમી સંબંધ છે તે દર્શાવવામાં આવે છે અને સાર્વત્રિક વ્યાપ્તિ વિધાન રજૂ કરવામાં આવે છે જેમ કે
‘જ્યાં જ્યાં ધૂમાડો ત્યાં ત્યાં અગ્નિ’ જેમકે, રસોડું
આ સોપાનમાં જણાવાય છે કે ધૂમાડા અને અગ્નિ વચ્ચે શાશ્વત સંબંધ છે..આ માટે રસોડાનું ઉદાહરણ પણ વક્તા રજૂ કરે છે.
4 ઉપનય :
આ સોપાનમાં વક્તા જણાવે છે કે…
જેવો ધૂમાડો રસોડામાં છે તેવો જ ધૂમાડો પર્વત પર જોવા મળે છે તેથી ત્યાં અગ્નિ હોવો જ જોઈએ.
અહીં બંને ધુમાડા વચ્ચે સરખામણી કરવામાં આવે છે હવે વક્તા શ્રોતાને અનુમાનની નજીક લઇ જાય છે.
5 નિગમન :
અહીં શ્રોતાને વક્તા કહે છે કે,
તે પર્વત પર અગ્નિ છે જ.
અહીં વક્તા સિદ્ધ કરે છે કે પર્વત પર અગ્નિ છે વક્તાનું કાર્ય પૂરું થાય છે.પ્રતિજ્ઞા અને નિગમન સરખા જ લાગે પણ તફાવત એ છે કે પ્રતિજ્ઞા સાબિત થયા વગરનું વિધાન છે જયારે નિગમન સાબિત થયેલું વિધાન છે.
આ અનુમાનને ભારતીય અનુમાન પણ કહે છે આજે પણ ન્યાયાલયોમાં આ અનુમાનનો ઉપયોગ થાય છે.

ગ્રીક નીરુપાધિક સંવિધાનમાં ઉદાહરણ સહ વ્યાપ્તિ જેવું સોપાન નથી તેથી કેટલીક અપ્રમાણભૂત દલીલ પણ પ્રમાણભૂત બને છે જયારે પંચાવયવી અનુમાનમાં આવું થતું નથી.

One thought on “Panchavayavi Anuman

Leave a comment