સ્વચ્છતા ત્યાં પ્રભુતા

ઉમરાળા સંસ્કૃતિ યુવા એકતા ગ્રુપ દ્વારા સફાઈ અભિયાન

Advertisements

પ્રશંસનીય કાર્ય

એક વૃક્ષ વાવીને ઉછેરવાથી 7 પેઢી તરે તેવું કહેવાય છે.આનાથી સામાજિક અને પિતૃ અને પ્રકૃતિનું ઋણ ચુકવવામાં આવે છે.

એક્તા ગ્રુપ ઉમરાળા દ્વારા પણ આજે આવું જ કાર્ય થયું.આજે સંસ્કૃતિ એકતા ગ્રુપ દ્વારા વૃક્ષારોપણનું આયોજન મુજબ 40 જેટલા વૃક્ષો વવાયા.વૃક્ષો દત્તક પણ અપાયા.જેથી કરીને તેની સારી માવજત અને ઉછેર થઇ શકે.વૃક્ષોના ઉછેર માટે પિંજરાનું દાન શ્રી અશોકભાઈ કુરજીભાઈ આપેલ.ગ્રુપ દ્વારા દાતાશ્રીનો ગ્રુપના સભ્યોએ આભાર માન્યો હતો.

વાહ કર્મ !!

કોણ જાણે કેમ પણ આજે ચાલવાનો થાક લાગ્યો…શું હવે 125 વર્ષે ઉંમરની અસર થઈ…કે મને આત્મજ્ઞાન અને જગતથી માયાથી પર રહેવાનું કહેનાર હું માયામાં તણાયો…ના..ના..એવું નથી..પણ દેહ લંબાવવાનું મન થાય છે.લાવ ને..આ પીપળાના મર્મર ધ્વનિ સાંભળતો લંબાવું..પણ ઊંઘ ક્યાં આવે..ઊંઘ લાવવા તો ચાલ્યો..દરિયાને કાંઠે કાંઠે..આ ચન્દ્ર મારા વંશના અગ્રણીએ સ્થાપેલ શિવના દર્શન પણ કર્યા..પણ મન શાંત કયાં થાય છે?
આ પ્રાચી પીપળે દરિયા પરથી આવતી લહેરખીથી કદાચ ઝોકું આવી જાય.વિચાર થયો કે સારું થયું દરિયા કિનારે દ્વારકા વસાવી..નહીં તો ગરમીમાં હેરાન થઈ જાત..એમ વિચારી મહેલમાં તકિએ લંબાવ્યું હોય તેમ જ પીપળાના થડે લંબાવું..
પણ સૂતા સૂતા પણ વિચારોની વણઝાર કયાં અટકે છે..આજે મન વિષાદથી ભરાઈ ગયું છે.અર્જુનને કિધેલો કર્મનો સિદ્ધાંત યાદ આવે છે તો ગંધારીનો શ્રાપ પણ…મારા કુળની જેમ તારા કુળનો પણ નાશ થશે…અને આ મારાથી પાંચમાં ભાગની ઉંમર ધરાવતા -ગધા પચીસી-વાળાએ ઋષિનો શ્રાપ લીધો કે આ મુશળ આના પેટે જન્મશે અને કુળનો નાશ થશે.
અરે!આ પગમાં શુ અવાજ વગર જ તીર ઘૂસી ગયું..
પારધી ..અરે ભગવાન તમે?? મારી કેવી ભૂલ…આ તો ઝેરી બાણ છે ચાલો વૈદ્યને બોલવું…
અરે! પારધી રહેવા દે…તારો વાંક નથી આ તો મારું કર્મ વા’લા…
હવે મને પણ કર્મનું ગણિત દેખાય અને સમજાય છે…
ગંધારીની વેદના..
વાલિની વેદના..
ઋષિની વેદના..
સ્વજનોને સુખી કરવા.-ગરમી ના લાગે..બીજા લોકોથી રક્ષણ મળે માટે અહીં લાવ્યો પણ કર્મ ના છોડે પારધી મારી તો આ જ નિયતિ-ભાગ્ય છે..તું દુઃખી ના થા..થવાનું હોય તે થાય જ..એવું અર્જુનને બહુ કીધું હવે તેને મારી વિદાયનો સંદેશો આપજે..તારો શો દોષ??તને તો પગમાં હરણની આંખ દેખાય..મારા પગમાં આ ચિહ્ન વર્ષોથી છે પણ નવરો થઇને આવી રીતે બેઠો જ આજે કે આ હરણની આંખ નજરે પડે..
વાહ કર્મ..તું ગમે ત્યાં પહોંચે હો…!!!

ભગવતગીતા વાંચતા પહેલા…

1 શાંતનુ રાજા કોણ હતા?
2 તેમની બંને પત્નીના નામ જણાવો.
3 ભીષ્મનું ખરું નામ શું હતું?
4 ગંગાને કેટલા પુત્રો થયા?
5 સત્યવતીના બીજા બે નામ ક્યાં?
6 સત્યવતીના પિતાનું નામ શું?
7 સત્યવતી મત્સ્યગંધામાંથી યોજનગંધા કેમ કહેવાય?
8 સત્યવતીને કૌમાર્ય અવસ્થામાં કયો પુત્ર જન્મ્યો?
9 સત્યવતીને કૌમાર્ય અવસ્થામાં કોનાથી પુત્ર જન્મ્યો હતો?
10 શાંતનુની પ્રથમ પત્ની ગંગા સ્વર્ગમાં કેમ ચાલી ગઈ?
11 દેવવ્રતનું નામ ‘ભીષ્મ’ કેમ પડ્યું?
12 ભીષ્મએ કઈ બે પ્રતિજ્ઞા લીધી?
13 ભીષ્મનો અર્થ શું?
14 સત્યવતીને શાંતનુથી ક્યાં બે પુત્ર થયા?
15 મત્સ્યરાજે પોતાની પુત્રી શાંતનુને પરણાવી ત્યારે કઇ શરતો કરેલી?
16 ધૃતરાષ્ટ્ર અને પાંડુ કોના પુત્ર હતા?
17 ધૃતરાષ્ટ્ર અને પાંડુ કઈ પદ્ધતિ કે વિધિથી જન્મ્યા?
18 ધૃતરાષ્ટ્રનું અન્ધત્વનું કારણ શું?
19 પાંડુને કયો રોગ હતો?
20 વિદુર ‘દાસીપુત્ર’ કેમ કહેવાયા?
21 વિદુરના પિતા કોણ?
22 વ્યાસના માતા-પિતા કોણ?
23 વ્યાસ બાદરાયણ કેમ કહેવાયા?
24 વ્યાસનું નામ દ્વૈપાયન કેમ પડ્યું?
25 વ્યાસના પુત્ર કોણ કે જેણે ભાગવતકથા કરી?
26 અર્જુનના પુત્ર કોણ?
27 અભિમન્યુના પુત્ર કોણ?
28 પરીક્ષિત કોણ હતા?
29 પરીક્ષિતે ભાગવત શા માટે સાંભળ્યુ?
30 જન્મેજય કોના પુત્ર?
31 જન્મેજયે મહાભારત કથા શા માટે સાંભળી?
32 જન્મેજયને મહાભારત કોણે સંભળાવ્યું?
33 મહાભારતની કથા સાંભળીને જન્મેજયને શું લાભ થયો?
34 પાંડવો વિજય પ્રાપ્ત કરીને કોને રાજ્ય સોંપ્યું?
35 વૈશમ્પાયન કોણ હતા?

ધર્મક્ષેત્રે

ભગવતગીતા વાંચતા પહેલા આટલા પ્રશ્નો સમજી લેવા જોઈએ.ભગવતગીતા મહાભારતનો જ ભાગ હોવા છતાં તે રામાયણ કે ભાગવતની જેમ કેમ વંચાતો નથી.

હા,આંશિક સ્વરૂપે આખ્યાન થાય છે.આનું એક કારણ તેમાં રાજ્ય પ્રાપ્તિની મહ્ત્વાકાંક્ષા અને રાગદ્વેષનું ચિત્રણ છે.ભગવતગીતામાં આવું નથી.
તેમાં જ્ઞાન,કર્મ અને ભક્તિયોગ છે.

સમગ્ર મહાભારત જેનું મૂળ નામ જય અને પછી ભારત થયું તેમાં સ્ટીવતીનું પાત્ર અને તેની રાજ્યલાલસા અને તેથી રોપાતા મહાભારતના બીજ છે.પોતાના પુત્રને જ રાજ્ય અને સંપત્તિ મળે તે માટે મોટી ઉંમરના શાંતનુ સાથે પરણે છે.દેવવ્રત ભીષ્મ નહીં પરણવાની અનેરાજ્ય નહીં લેવાની પ્રતિજ્ઞા કરે છે પણ તેની રાજ્ય લાલસાને કારણે તેને તેની લાયકાત કે ભીષ્મનું ક્ષાત્ર ગૌરવ દેખાતું નથી.
અંતે તો પોતાના અને શાંતનુથી થયેલ પુત્રો પણ સંતતિ રહિત મૃત્યુ પામે છે.ધૃતરાષ્ટ્ર અને પાંડુ એ વ્યાસમુનિથી થયેલા પુત્ર છે.વ્યાસ પરાશરના પુત્ર છે.તેઓ ઋષિ છે જરૂર પૂરતા બોલાવે ત્યારે જ હસ્તિનાપુરમાં આવે છે તે સમજે છે કે હસ્તિનાપુરમાં રહેવાથી રાજ્યલાલસા વધે.હવે ધૃતરાષ્ટ્ર અને પાંડુ પોતાનાથી થયેલ પુત્રો હોવા છતાં પોતાના નથી.તે કુરુવંશના બની ગયા છે.
ફક્ત લાલસાથી થતા પુત્રો મહાભારત સર્જે એ તેમને સમજાયું છે તે માતા સત્યવતીને પણ સમજાવે છે કે હવે આ યુદ્ધ થયા વિના નથી રહેવાનું…અને સત્યવતીને પોતાની સાથે વનમાં લઇ જાય છે અને કહે છે કે હવે અહીં જે બનશે તે તમે નહીં જોઈ શકો.
મહાભારતની શરૂઆતમાં જ ધૃતરાષ્ટ્ર મારા અને પાંડવોના પુત્ર એવા ભાગ પડે છે એ જ મહાભારતની શરૂઆત છે.રામાયણ અને ભાગવતમાં ત્યાગ અને વૈરાગ્યની વાત છે એટલે તેની કથા હોય.મહાભારત બેસાડાતું નથી.એ તો બધે ઘરે ઘરે મારું મારું કરવાવાળા છે જ.નકારાત્મક ઉર્જા અને ઝઘડાની કથા લાલસાની,મારા તારાના ભેદભાવની કથા ના કરવી સારી..

પરિણામ

ગઈકાલે ધોરણ 12નું રિજલ્ટ આવ્યું.અંગ્રેજી ભાષામાં 1.43 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા.અંગ્રેજી શિક્ષકો, નાપાસ થયેલ વિદ્યાર્થીઓ,વાલીઓ અને તેને કારણે સમગ્ર રિજલ્ટ પર અસર પડે -લાગણી ઘવાય તે સ્વભાવિક છે.

પરંતુ બે દિવસ પહેલા જ એક ગત વર્ષના વિદ્યાર્થીનો ફોન આવ્યો.જે આ વર્ષે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પ્રથમ વર્ષની પરીક્ષા આપવાનો હતો.તેનું પૂછવું એમ હતું કે તેની પરીક્ષા રસીદમાં પ્રથમ ગૌણ તરીકે ‘ફિલોસોફી’છે કે ‘સાયકોલોજી’?

મેં કહ્યું કે છેક આજે તું આવું પૂછે છે.તે શું વાંચ્યું છે?તેણે મનોવિજ્ઞાન વાંચ્યું હતું.બાદમાં તેણે રસીદનો ફોટો મને whatsapp પર મોકલ્યો.સદનસીબે તેમાં ‘સાયકોલોજી’ જ લખ્યું હતું.મને થયું કે ‘હાશ’બિચારાને વાંધો નહીં આવે.

સાથે સાથે એમ પણ થયું કે આ કોલેજનો વિદ્યાર્થી 12 અંગ્રેજીમાં કેમ પાસ થયો હશે?નબળા વિદ્યાર્થી પાસ થઈ જાય એ કરતા નાપાસ થાય તે સારું.નહીં તો આપણને જ -શિક્ષકને જ આક્ષેપ આવે.એ કરતા આવા વિદ્યાર્થીઓ અટકે તે સારું.

જો કે મારી વ્યક્તિગત માન્યતા તો એવી કે બધાને પાસ એટલે કે વર્ષ પસાર કર્યું તેવું પ્રમાણપત્ર આપવું જોઈએ.આમ તો pass એટલે પસાર કરવું તેમ જ ને?

પણ સોજા ચઢેલા શરીર કરતા સુદ્રઢ શરીર જ સારું.

અમારા એક પ્રાદયાપક કહેતા કે અંગ્રેજી તૃતીય ભાષા અને સંસ્કૃત ચતુર્થ ભાષા તેમાં ઓછા ગુણ જ આવે.તેમાં માતૃભાષા જેટલી ફાવટ ના હોય.અઘરા વિષયનું અને વિષય શિક્ષકનું મૂલ્ય સમાજ વધારે આંકે છે.

જપ-માળા એક સારવાર પદ્ધતિ

જપ કે માળાને ફક્ત ધાર્મિક બાબત સાથે જ જોડીએ છીએ.મને લાગે છે કે એને સ્વાસ્થ્યની બાબત કે એક સારવાર સાથે જોડવી જોઇએ.મનની સ્થિરતા અને આત્મનિરીક્ષણ આમાં સારું થઈ શકે.મનની શાંતિ અને શારીરિક આરામ અને જીભનો સંયમ પણ રહે.ઝઘડાઓ ઘટે એમાં બે મત નથી.

कर में तो माला फिरे मुख में फिरे जीभ |

मनुआ चहु दिशि फिरे यह तो सुमिरन नाही ||

હાથમાં માળા ફરે અને મુખમાં જીભ ફરે, મન જો ચારે દિશા માં ફર્યા કરે તે સ્મરણ નથી.

આમ છતાં માળા કરવાથી એકાગ્રતા તો આવે જ.એકાગ્રતા ના આવે તો પણ “એક્યુપ્રેશર” થાય અંગુઠા પર થતું પ્રેશર -દબાણ મનને શાંત કરે છે,એમ એક્યુથેરેપીસ્ટ કહે છે.

પહેલાના જમાનામાં તોફાની બાળકોને અંગુઠા એટલે જ પકડાવતા.જેથી તેનું મન શાંત થાય.જૈન સાધુઓ પણ અભ્યાસ કરતી વખતે હાથ-પગના અંગુઠા પર દબાણ રાખે છે.માથાના ના દુખાવા માં અંગુઠા પર પ્રેશર કરવાથી દુખાવો મટે છે કે કેમ ? જોવું જોઈએ.મને ફાયદો થાય છે.માળા કરતા વૃધ્ધો નું આયુષ્ય અધિક જોવા મળે છે કે કેમ ? મને એવું જોવા મળે છે.

મારા દાદી અને મારા એક મિત્રના ભાભુને સવાર-સાંજ શાંતિથી બેસીને માળા કરતા જોયા છે.તેઓ 100 વર્ષ સુધી આરોગ્યમય અને શાંતિપૂર્વક જીવન જીવ્યા હતા.

આપણા અનૈચ્છિક સ્નાયુઓ અને ગ્રન્થિસ્રાવો માટે મનની શાંતિ અને ચોક્કસ યોગમુદ્રા દ્વારા રોગ મટી શકે અથવા આરોગ્ય મેળવી શકાય.માળા કરતી વખતે જ્ઞાન અને શૂન્ય મુદ્રા પણ આપોઆપ થાય છે.

થોડા દિવસ પહેલા ગુણવંતભાઈ શાહનો લેખ વાંચ્યો તેમાં તેમણે લખ્યું હતું કે પ્રામાણિકતા અને નિખાલસતા પણ એક સારવાર પદ્ધતિ છે જેમાં મનોભારથી થતા રોગ થતાં નથી.

માળા કરવાથી પરલોક કરતા આ લોકમાં સુખ,આરોગ્ય અને શાંતિ મળે છે એ તો નક્કી.

હિંદુ ધર્મમાં “માળા”, ઇસ્લામ માં “તસ્બી” ખ્રિસ્તીઓ જેને “રોઝરી “જૈનો જેને નવકારવાળી કહે છે.આમ બધા ધર્મમાં માળા દ્વારા માળા નું મહત્વ છે. કબીર સાહેબે રૂઢિચુસ્તો જે ટીકા – નિંદા કરતા કરતા ફક્ત દેખાડો દંભ કરે છે તેની હાંસી ઉડાવી છે.

દરેક ધર્મમાં સ્મરણ નું મહત્વ છે.સ્મરણ નવધા ભક્તિ નો એક પ્રકાર છે. માળા સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાતા છે.કદાચ સુખ સમૃદ્ધિ ના મળે તો પણ શાંતિ તો ચોક્કસ મળે જ .